
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આરોપીને પકડવા માટે ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. કાર્યવાહીના દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. છરીથી કરેલા હુમલામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલના ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મળતી માહિતી મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર શરત સિંઘલ પર રિઢા ગુનેગારે હુમલો કર્યો. ઈશનપુરનો રહેવાસી મોહમ્મદ કલિમ ઉર્ફે કલીમ ભૈયા નામના આરોપીને પકડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે ચંડોળા તળાવ પહોંચી ત્યારે 37 ગુનાના રિઢા આરોપીએ અધિકારી પર ચાકુથી હુમલો કરી કર્યો હોવાથી શરત સિંઘલ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.
ગેરકાયદેસર હથિયારની હેરાફેરીની બાતમીના આધારે હિસ્ટ્રીશીટર કલીમ શેખને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો, જ્યારે બાદ સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ તથા પોલીસ ઈન્સપેક્ટર આઈ.એન. ઘાસુરા દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન આરોપીએ અચાનક અધિકારીઓ પર હુમલો કર્યો. પોતાની પાસે સંતાડેલી છરીથી અધિકારીના હાથ પર હુમલો કર્યો હતો, જેને પગલે અધિકારી શરદ સિંઘલ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
જવાબી કાર્યવાહીમાં JCP શરત સિંઘલે પોતાની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું, જેના પરિણામે આરોપીના પગમાં ગોળી વાગી હતી. JCP સિંઘલ અને આરોપી બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ આરોપી પાસેથી 4 હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી સામે હત્યા, લૂંટ, ખંડણી સહિત 37થી વધુ ગુના નોંધાયેલા છે. આરોપીને પણ પગમાં ગોળી વાગી હોવાથી સિવિલ હોસ્પિટલે દાખલ છે, સારવાર મેળવ્યા બાદ આરોપીને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ માંગવામાં આવી શકે છે.
