
ડિજિટલ ગવર્નન્સ અને જાહેર સુરક્ષાના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ આધાર-સક્ષમ ગેસ્ટ વેરિફિકેશન માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) સાથે ઔપચારિક કરાર કરનાર ભારતની પ્રથમ કાયદા અમલીકરણ એજન્સી બની છે.
આ અગ્રેસર સહયોગ ‘આધાર એપ’ ને PATHIK (પથિક – Program for Analysis of Traveler and Hotel InformatiCs) એપ્લિકેશન સાથે સાંકળે છે, જે “સ્માર્ટ પોલીસિંગ” તરફ એક મહત્વપૂર્ણ કદમ છે.
આ પહેલની તકનીકી શ્રેષ્ઠતા અને વ્યવહારિક ઉપયોગિતાને કારણે તેને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય માન્યતા મળી છે. અસંખ્ય અરજદારોમાંથી, સત્તાવાળાઓ દ્વારા રાષ્ટ્રીય મંચ પર તેમની તકનીકી ઉપયોગિતા પ્રદર્શિત કરવા માટે માત્ર ૧૧ એજન્સીઓની પસંદગી કરવામાં આવી છે.
ખાસ મહત્વ ની વાત એ છે કે, આ ભદ્ર જૂથમાં પસંદગી પામેલ PATHIK સોફ્ટવેર એકમાત્ર લો-એન્ફોર્સમેન્ટ પ્રોજેક્ટ છે, જે સુરક્ષા માળખાના આધુનિકીકરણમાં તેની વિશિષ્ટ ભૂમિકા દર્શાવે છે.
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ: ત્વરિત વેરિફિકેશન:અપગ્રેડ કરેલ પથિક સિસ્ટમ હોટલ પીજી (PG)અને હોમસ્ટેને સંમતિ-આધારિત,QR-કોડ સ્કેનિંગ પ્રક્રિયા દ્વારા મહેમાનોની ઓળખ તુરંત ચકાસવાની મંજૂરી આપે છે
નાગરિક પ્રાઈવસી: આ મોડેલ નાગરિકોની ગોપનીયતાને પ્રાધાન્ય આપે છે. તે સુનિશ્ચિત કરે છે કે સિસ્ટમમાં કોઈ આધાર નંબર સંગ્રહિત કરવામાં આવતા નથી; તેના બદલે, તે ચકાસણી માટે સુરક્ષિત, ડિજિટલી સાઈન કરેલી વસ્તી વિષયક વિગતો અને ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરે છે.
વ્યાપક અમલીકરણ: ૨૦૧૭ માં તેની શરૂઆત થઈ ત્યારથી, પથિક એક સ્થાનિક પહેલમાંથી રાજ્યવ્યાપી સફળતામાં પરિવર્તિત થયું છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં ૯,૦૦૦ થી વધુ હોટલો આ સિસ્ટમ સાથે જોડાયેલી છે.
ક્ષેત્રીય પ્રભાવ: આ સિસ્ટમે પહેલેથી જ નોંધપાત્ર પરિણામો દર્શાવ્યા છે, જેમાં ૫૦ થી વધુ ગુમ થયેલ વ્યક્તિઓને શોધવામાં અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ઓળખ કરવામાં મદદ મળી છે.
આ નવું આધાર એકીકરણ PATHIK ને સુરક્ષિત, પેપરલેસ અને પારદર્શક ગેસ્ટ મોનિટરિંગ માટે રાષ્ટ્રીય મોડેલ તરીકે વધુ મજબૂત બનાવે છે.
