Site icon Time News

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ

 ગુજરાતની સૌથી મોટી એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. દરરોજ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હજારો દર્દીઓને ઝડપી, સરળ અને દર્દી-મૈત્રીપૂર્ણ સેવાઓ પૂરી પાડવાના હેતુથી હોસ્પિટલ તંત્ર દ્વારા કતાર વ્યવસ્થાપન (Queue Management) અને ભીડ નિયંત્રણ માટે એક સુદૃઢ આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો અને કમિશનર ડો. સંધ્યા ભુલ્લરના સીધા માર્ગદર્શન હેઠળ આ નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, “અમારો મુખ્ય હેતુ માત્ર લાઇનો ઘટાડવાનો નથી, પરંતુ સમગ્ર ‘પેશન્ટ ફ્લો’ ને એવી રીતે સુવ્યવસ્થિત કરવાનો છે કે જેથી દર્દીને ઓછામાં ઓછા સમયમાં યોગ્ય સ્થળે સચોટ સારવાર મળી રહે. વિવિધ સેવાઓનું યોગ્ય વિકેન્દ્રીકરણ કરવાથી એક જ જગ્યાએ થતી ભીડ નિવારી શકાઈ છે.”

OPD અને કેસ બારીઓમાં વધારો: હોસ્પિટલમાં દરરોજ 3500 થી 4000 દર્દીઓ આવે છે, જેમાં અંદાજે 2000 જેટલા નવા કેસ હોય છે. દર્દીઓનો સમય બચાવવા માટે કેસ બારીઓની સંખ્યા 9 થી વધારીને 12 કરવામાં આવી છે. આ ઉપરાંત, ભીડ ઘટાડવા માટે ઇન્ડોર કેસ બારી, બિલિંગ અને રિપોર્ટ કાઉન્ટરને ઓપીડી વિભાગથી સાવ અલગ કરી દેવાયા છે.

ટોકન સિસ્ટમ અને બેઠક વ્યવસ્થા: ઓર્થોપેડિક, મેડિસિન, સર્જરી, ચામડીના રોગ, સ્ત્રીરોગ અને બાળરોગ જેવી તમામ મોટી ઓપીડીમાં હવે ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. દર્દીઓ માટે આરામદાયક બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સિસ્ટમનું યોગ્ય પાલન થાય તે માટે નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી અને કાઉન્સિલરની ટીમો સતત ખડેપગે રહે છે.

ડિજિટલ વોટ્સએપ રિપોર્ટ: દર્દીઓને પોતાના રિપોર્ટ માટે હવે લાઇનમાં ઊભા રહેવું નહીં પડે. આગામી 2 થી 3 દિવસમાં દર્દીઓના રજિસ્ટર્ડ વોટ્સએપ નંબર પર જ સીધા રિપોર્ટ મોકલી આપવાની અદ્યતન ડિજિટલ સુવિધા શરૂ કરવામાં આવી રહી છે.

સાંજની ફોલો-અપ OPD: સવારના સમયે થતો ભારે ધસારો ઘટાડવા માટે ફોલો-અપ (ફરીથી બતાવવા આવતા) દર્દીઓને સાંજના સમયે જ બોલાવવા માટે તબીબોને ખાસ સૂચના આપવામાં આવી છે.

ઝડપી અને સરળ બિલિંગ: બિલિંગ કાઉન્ટરની સંખ્યા 1 થી વધારીને 2 કરાઈ છે. સોફ્ટવેરમાં જરૂરી સુધારા કરી રોગી કલ્યાણ સમિતિ અને સરકારી ચાર્જને એક જ રિસિપ્ટમાં મર્જ કરી દેવાયા છે, જેનાથી બિલ બનાવવાનો 50 ટકા સમય બચશે. દર્દીઓ હવે એક જ પહોંચનું ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકશે.

રેડિયોલોજી અને લેબોરેટરી સુવિધા: ઓપીડી વિભાગમાં રેડિયોલોજી રજિસ્ટ્રેશનના 2 નવા કાઉન્ટર શરૂ કરાયા છે. રજિસ્ટ્રેશન અને બિલિંગ વિન્ડો એકસાથે રાખવામાં આવતા દર્દીઓને બે વાર લાઈનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળી છે. આ ઉપરાંત, ઓપીડીના દર્દીઓની સોનોગ્રાફી G-2 ખાતે અને દાખલ દર્દીઓની સોનોગ્રાફી ટ્રોમા સેન્ટરમાં અલગથી થશે. કલર ડોપ્લર તપાસ માટે બપોરે 2 વાગ્યા પછીનો સમય ફાળવવામાં આવ્યો છે. જૂની ઓપીડીમાં લેબોરેટરી સેમ્પલ કાઉન્ટર 4 થી વધારીને 6 અને 1200 બેડની હોસ્પિટલમાં 2 થી વધારીને 4 કરવામાં આવ્યા છે.

ફેમિલી મેડિસિન OPD: તાવ, શરદી અને ખાંસી જેવી સામાન્ય બીમારીઓ માટે રૂમ નંબર 75 માં એક અલગ ફેમિલી મેડિસિન ઓપીડી શરૂ કરવામાં આવી છે. આનાથી મુખ્ય ઓપીડી પરનો બોજો ઘટશે અને ગંભીર દર્દીઓને વધુ સારી સારવાર મળી શકશે.

આગામી સમયમાં હોસ્પિટલ પરિસરમાં દર્દીઓને યોગ્ય દિશા-નિર્દેશ મળી રહે તે માટે આધુનિક સાઈનેજ બોર્ડ લગાવવાનું પણ આયોજન છે. સિવિલ હોસ્પિટલ દ્વારા લેવાયેલા આ દર્દીલક્ષી નિર્ણયોને પગલે હવે આરોગ્ય સેવાઓ વધુ ઝડપી, સરળ અને સુવ્યવસ્થિત બની ગઈ છે.

Exit mobile version