
આજે હાઇકોર્ટમાં ફાયર સેફટી મામલે હાઇકોર્ટે અમદાવાદ ફાયર વિભાગની કામગીરીની સરાહના કરી હતી. હવે આજે જ અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અને ખાનગી વ્યક્તિ સામે લાંચ કેસ મામલે ACBએ કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ ફરિયાદ કરનાર જાગૃત નાગરિકે શહેરની 6 જુદી-જુદી બિલ્ડિંગોની ફાયર NOC ગુજરાત સરકારના પોર્ટલ પર મંજૂરી અર્થે મોકલી આપી હતી. આ NOC મંજૂર કરવાના બદલામાં અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે વતી ભાવસિંહ ઝાલા નામના શખ્સે પ્રતિ NOC લેખે 6,000 રૂપિયાની માંગણી કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેના વતી 36000 રૂપિયાની લાંચ લેતાં ખાનગી વ્યક્તિ ભાવસિંહ ઝાલાને ACBની ટીમે ઝડપી પાડ્યા છે. ફાયર સેફ્ટી ઓફિસર દ્વારા મોકલવામાં આવેલી 6 બિલ્ડિંગોની ફાયર NOC મંજૂર કરવા માટે 36000ની માંગ કરી હતી.
આરોપી ભાવસિંહ ઝાલાએ NOC દિઠ રૂ. 6000 લેખે કુલ રૂ. 36000ની માંગણી કરી હતી. આરોપીએ NOC મંજૂર કરવા માટે લાંચની માંગણી કરેલ હતી. જે આધારે એક જાગૃત નાગરીકે વડોદરા શહેર ACB પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદ આધારે આજે બે સરકારી પંચો રૂબરુ ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું. ACBની ટ્રેપ દરમિયાન આરોપી ભાવસિંહ ઝાલાએ ફરીયાદી સાથે વાતચીત કરી 36000 રૂપિયા લેતા રંગે હાથે ઝડપાયા છે.
આ મામલામાં CFO અમિત ડોંગરએ ભાવસિંહ ઝાલાને ફોન કરતા તેઓએ પણ વાતચીત કરી તે લાંચના રૂપિયાની સમંતી આપેલ હોવાનું પ્રાથમિક રીતે ફલીત થયું હતું. જેથી અમિત ડોંગરેના કહેવાથી ભાવસિંહ ઝાલા લાંચની માંગણી કરી, સ્વીકારી એકબીજાને ગુનાનું દુષ્પ્રેરણ કરી ભ્રષ્ટાચાર આચરેલ હોય જેથી બન્ને આરોપી વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી ACBએ કરી હોવાનું સામે આવ્યું છે.
