Site icon Time News

અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો

 અમદાવાદ શહેરમાં 7 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રિક્ષા અને ટેક્સી એસોસિએશન દ્વારા ઓનલાઈન કંપનીઓની મનમાની, લઘુત્તમ ભાડું નક્કી કરવા અને ગેરકાયદે બાઈક ટેક્સી બંધ કરવાની માંગ સાથે ચાર દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. 

ઓનલાઈન કેબ-રિક્ષા કંપનીઓની મનમાની, ઓછું વળતર અને બાઈક ટેક્સી સહિતના મુદ્દાઓ સામે અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોએ આજથી 10 સપ્ટેમ્બર સુધી હડતાળ પર રહેશે. જોકે હડતાળના પ્રથમ જ દિવસે અમદાવાદમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કેટલાક રિક્ષાચાલકોએ હડતાળમાં જોડાવા માટે અન્ય રિક્ષાચાલકો પર દબાણ કર્યું હોવાના તેમજ મુસાફરોને અધવચ્ચે ઉતારી દેવાયાના આક્ષેપો થયા છે.ઇસ્કોન ચાર રસ્તા પાસે વહેલી સવારે રિક્ષામાં મુસાફરી કરતા અનેક લોકોને અધવચ્ચે ઉતારી દેવાયા હોવાની ફરિયાદ સામે આવી છે. તેમાં એપિક હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ નર્સનો પણ સમાવેશ થાય છે. હોસ્પિટલ સમયસર ન પહોંચી શકતાં મહિલાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાનો દાવો છે. વૈષ્ણોદેવી તરફ જતા યુવક-યુવતીને પણ રસ્તામાં જ ઉતારી દેવાયા હોવાની ઘટના સામે આવી છે.

હડતાળને કારણે નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો માટે જાહેર પરિવહનનો વિકલ્પ ઘટ્યો છે. બીજી તરફ ઓટોની અછતનો લાભ લઈને કેબના ભાડામાં પણ મોટો વધારો જોવા મળ્યો હોવાના આક્ષેપો છે. રામદેવનગરથી નરોડા સુધી કેબ માટે આશરે રૂ.1,000, વસ્ત્રાપુરથી આંબાવાડી માટે રૂ.360 અને ઘુમાથી એરપોર્ટ સુધી રૂ.840 સુધી ભાડું ચૂકવવું પડ્યું હોવાના દાવા સામે આવ્યા છે.

રિક્ષાચાલકો ઓનલાઈન બુકિંગમાં યોગ્ય વળતર, ટેક્સી માટે લઘુત્તમ ભાડું અને નોન-ટ્રાન્સપોર્ટ બાઈક ટેક્સી બંધ કરવાની માગ કરી રહ્યા છે. સંગઠનનો દાવો છે કે બે લાખથી વધુ રિક્ષા અને 70 હજારથી વધુ ટેક્સી હડતાળમાં જોડાઈ છે. માગણીઓ નહીં સંતોષાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

રિક્ષાચાલકોની દાદાગીરી

 ઇસ્કોન ચાર રસ્તેથી વૈષ્ણોદેવી જતા યુવક-યુવતીઓ અને હોસ્પિટલે પહોંચવા નીકળેલા હેલ્થકેર સ્ટાફને બળજબરીથી ઉતારી દેવાયા હતા. જે રિક્ષાચાલકો સેવા આપવા માંગતા હતા તેમને પણ રોકીને હડતાળમાં જોડાવા ફરજ પાડવામાં આવી હતી. રિક્ષા ચાલકોની આ દાદાગીરી અને તંત્ર દ્વારા વૈકલ્પિક વાહનવ્યવહારની યોગ્ય વ્યવસ્થાના અભાવે ખાનગી કેબ સંચાલકોએ તકનો ગેરલાભ ઉઠાવી 50% થી 300% સુધી ભાડાં વધારી દીધા છે, જેના કારણે સામાન્ય નાગરિકો ભારે આર્થિક લૂંટનો ભોગ બની રહ્યા છે.

એપ આધારિત કંપનીઓમાં પૂરતું વળતર ન મળવું, સીએનજીના વધતા ભાવ, અન્ય રાજ્યોની જેમ લઘુત્તમ ભાડું નક્કી કરવું અને નોન-ટ્રાન્સપોર્ટ બાઈક ટેક્સી પર પ્રતિબંધ મુકવો. જો માંગણીઓ નહીં સંતોષાય તો 2 લાખથી વધુ રિક્ષા અને 70 હજારથી વધુ ટેક્સી સાથે સમગ્ર રાજ્યમાં આંદોલન વિસ્તૃત કરવાની ચીમકી અપાઈ છે.

Exit mobile version