Site icon Time News

Ahmedabad: શહેરમાં હત્યા સહિત વિવિધ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

અમદાવાદ શહેરમાં હત્યા સહિત વિવિધ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો. ભૂતકાળના ગુન્હામાં જ્યારથી આરોપીઓના નામ ખૂલે છે, ત્યારથી આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરે છે અને પોલીસ તપાસ કરવા જાય ત્યારે મળી આવતા નથી. જે ઘણા સમયથી વોન્ટેડ હોય છે. જેથી, અમદાવાદ શહેર પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાં ભૂતકાળના ગુનાઓમાં પકડવાના બાકી નાસતા ફરતા વોન્ટેડ આરોપીની ઉંડાણપૂર્વક તપાસ કરી, પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

નાસતા ફરતા આરોપીઓ પકડી પડવાની ઝુંબેશના ભાગરૂપે ઝોન 06 વિસ્તારમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ પકડવા વટવા પોલીસ સ્ટેશનના પો. ઇન્સ. પી.બી.ઝાલા, પીએસઆઈ એ.બી. ગંધા તથા સ્ટાફના હે.કો. રાજદીપસિંહ, જોરાવરસિંહ, ગૌરાંગભાઈ, દિલીપભાઈ, રવિરાજસિંહ, રણજીતસિંહ, વિક્રમભાઈ, કુલદીપસિંહ, સહિતની ચુનંદા માણસો ટીમ દ્વારા ઝુંબેશ દરમિયાન અસરકારક નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશનના ખૂન અને ખૂનની કોશિશ સહિતના બે ગુન્હામાં તથા ડીસીબી પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટ ના ગુન્હાઓ સહિત આશરે પાંચ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપી અભિષેક ઉર્ફે બબલુ ને પકડી પાડીને ધરપકડ કરી, કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વટવા પોલીસ સ્ટેશન ખાતે સને 2023 અને 2024 ની સાલમાં અમદાવાદ શહેરના કુખ્યાત આરોપી અભિષેક ઉર્ફે બબલુ કેશવસિંહ રાજપૂત વિરુદ્ધ ખૂનની કોશિશ અને ખૂનના બે ગુન્હાઓ દાખલ થયા હતા. આ ગુન્હામાં આરોપી અભિષેક ઉર્ફે બબલુ રાજપૂત છેલ્લા બે અઢી વર્ષથી નાસતો ફરતો હતો. આ બાબતે ક્રાઇમ બ્રાંચ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને આ ઉપરાંત સને 2025 ની સાલમાં પણ એક હથિયારના કેસમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન પણ આ કુખ્યાત આરોપી અભિષેક ઉર્ફે બબલુ રાજપૂતનું નામ ખુલ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ શહેરના અમરાઈવાડી અને રામોલ પોલીસ સ્ટેશન ખાતે પણ ગુનાઓમાં નામ ખુલતા, આરોપી અભિષેક ઉર્ફે બબલુ રાજપૂત ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આ કુખ્યાત આરોપી ભૂતકાળમાં પણ અમદાવાદ શહેરના વટવા, અમરાઈવાડી, રામોલ, સહિતના પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ, મારામારી, ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ધાડ, સહિતના અસંખ્ય ગુનાઓમાં પકડાયો હતો. આરોપીને વટવા પોલીસ દ્વારા સને 2015 માં પાસા ધારા હેઠળ જેલ હવાલે પણ કરવામાં આવ્યો હતો.

સામન્ય રીતે બહારના રાજ્યમાં આરોપી પકડાય અને બહારના રાજ્યની જેલમાં આરોપી હોય તો, તેની માહિતી બીજા રાજ્યની પોલીસને મળતા ઘણી વાર લાગે છે. ઘણીવાર બહારના રાજ્યની પોલીસને જાણ થાય ત્યારે આરોપી જેલમાંથી છૂટી ગયો હોય છે. પરંતુ, કેન્દ્ર સરકાર દ્વારા ICJS પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, આ પોર્ટલ અંતર્ગત જે જે આરોપી ભારત દેશની કોઈપણ જેલમાં કેદ હોય તો, એની માહિતી કોમ્પ્યુટર દ્વારા ICJS પોર્ટલ આધારે ઉપલબ્ધ કરી શકાય છે. વટવા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ICJS પોર્ટલ ઉપર વોન્ટેડ કુખ્યાત આરોપી અભિષેક ઉર્ફે બબલુ રાજપૂત બાબતે સર્ચ કરતા, આ આરોપી હાલમાં ઓરિસ્સા રાજ્યના ભુવનેશ્વર શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનના ગુન્હામાં અન્ય ત્રણ આરોપીઓ સાથે સેમી ઓટોમેટિક પિસ્તોલ નંગ 04, રિવોલ્વર નંગ 01, સિંગલ શોટ ગન નંગ 01, એમ્યુનેશન રાઉન્ડ/કાર્ટિસ નંગ 18 અને અમદાવાદ પાસિંગની કાર સહિતના મુદામાલ સાથે આર્મ્સ એકટના ગુન્હા માં પકડાયો હોવાની વિગતો મળતા, જે વેરીફાઈ કરતા, હાલ ઝારપાડા જેલ ભુવનેશ્વર ખાતે હોવાની વિગતો જાણવા મળી હતી. આમ, કુખ્યાત નાસતો ફરતો આરોપી અભિષેક ઉર્ફે બબલુ રાજપૂત હાલ ભુવનેશ્વર જેલમાં હોઈ, વટવા પોલીસ દ્વારા ખૂન અને ખૂનની કોશિશના ગુન્હામાં નામદાર કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી, વટવા પોલીસની એક ટીમને ઓરિસ્સા ભુવનેશ્વર રવાના કરી, કબજો મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો,  પ્રજાએ રસ્તા પર ખાડા જાતે પુરવા જોઈએ,ગુજરાતના શિક્ષણ મંત્રીનું નિવેદન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version