Site icon Time News

ભગવાનની નગરચર્યા માટે અમદાવાદ પોલીસનું ‘ફૂલપ્રૂફ’ આયોજન; 30,000 જવાનો સાથે AI, 18 ગજરાજો પર GPS સહિત શું હશે ખાસ વ્યવસ્થા?

અમદાવાદ શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાને લઈને નાગરિકોમાં અદભુત ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક રથયાત્રા સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેવા સુદ્રઢ આયોજનના ભાગરૂપે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

રાજ્ય પોલીસ વડા જી.એસ.મલિક અને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે નાયબ મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ રૂટના સંવેદનશીલ પોઇન્ટ્સ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ઇમરજન્સી સેવાઓના આગોતરા આયોજન અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા 16.2 કિલોમીટરના પરંપરાગત રૂટ પર ભ્રમણ કરશે, જેમાં 3 મુખ્ય રથો સાથે 18 ગજરાજ, 103 ટ્રક, 30 અખાડા અને વિવિધ ભજન મંડળીઓ જોડાશે.

સુરક્ષા વ્યવસ્થા વિશે વાત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રથયાત્રાની લોખંડી સુરક્ષા માટે સમગ્ર રૂટને 26 રેન્જ, 53 એરિયા અને 1,397 પોઈન્ટ્સમાં વહેંચીને 10 IG/DIG, 42 ડીસીપી, 88 એસીપી અધિકારીઓ સહિત 30,000થી વધુ પોલીસ જવાનો, 15 SRPF અને 9 સેન્ટ્રલ પેરામિલીટરી ફોર્સની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

આ વર્ષે રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને ફૂલપ્રૂફ બનાવવા માટે સ્માર્ટ પોલિસિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને મોનિટરીંગ તથા 3D મેપિંગ જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 100થી વધુ ડ્રોન દ્વારા લાઈવ સર્વેલન્સ, હાથીઓની દેખરેખ માટે GPS, CCTV અને ડેસિબલ મીટર, બોડી વોર્ન કેમેરા, હાઇટેક વાયરલેસ સિસ્ટમ, AI વોઇસ બોટ, એન્ટી-ડ્રોન ગન તથા શંકાસ્પદ તત્વો અને ગુનેગારોને ઝડપવા ‘AI ફેસ રેકગ્નિશન કેમેરા’ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે.

કાયદો-વ્યવસ્થાની સાથે પોલીસે છેલ્લા એક મહિનાથી તમામ સમાજો સાથે બેઠકો અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ યોજીને ભાઈચારાનું અદભુત વાતાવરણ ઊભું કર્યું છે એમ જણાવીને નાયબ મુખ્યમંત્રીએ પોલીસ વિભાગ અને સૌ નગરજનોને અભિનંદન પાઠવ્યા હતા. રૂટ નિરીક્ષણના કાર્યક્રમ દરમિયાન સ્થાનિક સ્તરે યોજાયેલી ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને ઇનામ એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા.

નાયબ મુખ્યમંત્રીએ શહેરીજનોને કોઈ પણ પ્રકારની ધક્કામુક્કી વગર ભગવાનના દર્શન કરવા અને સુરક્ષાના ભાગરૂપે રૂટ પરની ભયજનક ઇમારતો પર ચઢવાનું ટાળવા અપીલ કરી હતી. આ પ્રસંગે અમદાવાદ શહેર પોલીસની નિષ્ઠાપૂર્વકની કામગીરી અને પૂર્વ તૈયારીઓને પણ બિરદાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ટેકનોલોજી અને માનવબળના ઉત્કૃષ્ટ સમન્વયથી આ પર્વ સંપૂર્ણ આસ્થા અને ઉત્સાહભર્યા માહોલમાં નિર્વિઘ્ને સંપન્ન થશે.

Exit mobile version