
અમદાવાદના શાહીબાગમાં કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડે મોંઘીદાટ કાર વડે નિર્દોષ એક્ટિવાચાલકને ટક્કર મારીને જીવ લીધો છે. કારચાલકે પૂરપાટ ઝડપે કાર વડે એક્ટિવાચાલકને ટક્કર મારી હતી, જેના કારણે એક્ટિવાચાલક નજીકમાં ઊભેલી રિક્ષા સાથે ટકરાયો, જેથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું. કારચાલકના પિતા અને દાદા બંને કુખ્યાત બૂટલેગર છે. આ સાથે કારચાલક યુવકનો હથિયારો સાથેનો કારમાં વીડિયો વાઇરલ થયો છે.
શાહીબાગમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતેથી અસારવામાં રહેતા મહેન્દ્ર ગોહિલ એક્ટિવા લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન કાળા કલરની ફોર્ચ્યુનર ગાડી લઈને આવી રહેલા આદિત્યસિંહ રાઠોડે મહેન્દ્રભાઈને પૂરપાટ ઝડપે ટક્કર મારી હતી, જેના કારણે મહેન્દ્રભાઈ એક્ટિવા લઈને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી રિક્ષા સાથે અથડાયા હતા. મહેન્દ્રભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત બાદ કારચાલક આદિત્યસિંહ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો.
અકસ્માતમાં એક્ટિવાચાલક મહેન્દ્રભાઈનું મોત થયું છે. મહેન્દ્રભાઈ ગોહિલ અસારવામાં આવેલી જયહિન્દ સોસાયટીમાં રહેતા હતા અને સેલ્સમેન તરીકે નોકરી કરતા હતા. પોલીસ દ્વારા તેમના પરિવારને જાણ કરવામાં આવતાં તેમનો પરિવાર અત્યારે સ્થળ પર પહોંચ્યો છે. જ્યારે રિક્ષાચાલકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ કારચાલક આદિત્યસિંહ તેના મિત્ર સાથે જ એફ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસે આરોપીની અટકાયત કરી છે.
આદિત્યસિંહ રાઠોડ 18 વર્ષની ઉંમરનો છે. આરોપીના દાદા કિશોરસિંહ રાઠોડ અમદાવાદનો કુખ્યાત અને લિસ્ટેડ બૂટલેગર છે. આરોપીના પિતા દિલીપસિંહ પણ બૂટલેગર છે. આરોપી પણ સોશિયલ મીડિયામાં રોફ જમાવવા માટે હથિયારો સાથે ગાડીમાં વીડિયો બનાવે છે. અકસ્માત બાદ આરોપીનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં ગાડીમાં ધારદાર હથિયારોના જથ્થા સાથે આરોપીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
