
વાવ-થરાદ નજીકથી પસાર થતા ભારતમાલા એક્સપ્રેસ વે પર ગત રાત્રે રખડતા ઢોરના કારણે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાત્રિના અંધારામાં હાઈવે પર અચાનક ઢોર આવી જતાં વાહન તેની સાથે ધડાકાભેર અથડાયું હતું, જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ પણ ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
રસ્તા પર રખડતા ઢોરના કારણે બે નિર્દોષ લોકોએ પોતાનો અમૂલ્ય જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાઈવે પર અવારનવાર આવી ચડતા ઢોરના કારણે આવા અનેક જીવલેણ અકસ્માતો સર્જાય છે, ત્યારે આ ગંભીર ઘટના બાદ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક તંત્રની કામગીરી તથા બેદરકારી સામે લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે.
આ અકસ્માતનું મુખ્ય કારણ હાઈવે પર રખડતા ઢોર હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે અંધકારમાં હાઈવે પરથી પસાર થઈ રહેલી કારની સામે અચાનક જ એક રખડતી ગાય આવી ચડી હતી. પૂરપાટ ઝડપે આવતા વાહનની સામે એકાએક ઢોર આવી જતાં ચાલક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો હતો, જેના પરિણામે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
