Site icon Time News

રાજધાની એક્સપ્રેસના AC કોચ ભીષણ આગથી બળીને ખાખ, રતલામમાં મોટી દુર્ઘટના સર્જાઈ

Oplus_131072

રવિવારે (17મી મે) વહેલી સવારે દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક પર એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ છે. ત્રિવેન્દ્રમથી હઝરત નિઝામુદ્દીન જઈ રહેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેનના એક એસી (AC) કોચમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે આખા કોચને લપેટમાં લઈ લેતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ટ્રેન સ્ટાફ અને રેલવે સુરક્ષા દળ (RPF)ની તત્પરતાના કારણે સમયસર તમામ મુસાફરોને બહાર કાઢી લેવાતા મોટી જાનહાનિ ટળી છે

અહેવાલો અનુસાર, ટ્રેન નંબર 12431 ત્રિવેન્દ્રમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ રવિવારે સવારે લગભગ 5:30 વાગ્યે કોટા રેલવે ડિવિઝન હેઠળના રતલામ જિલ્લાના અલોટ સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી. લુની રિચા અને વિક્રમગઢ અલોટ સ્ટેશનો વચ્ચેથી ટ્રેન પૂરપાટ ઝડપે દોડી રહી હતી ત્યારે ટ્રેન ગાર્ડની નજર ‘B1’ એસી કોચમાંથી નીકળતા કાળા ધુમાડા પર પડી હતી. ગાર્ડે તાત્કાલિક આ અંગે લોકો પાયલટને કટોકટીનો સંદેશો આપ્યો હતો.

માત્ર 15 મિનિટમાં મેગા રેસ્ક્યૂ ઓપરેશન

ખતરાની ઘંટી વાગતા જ ડ્રાઇવરે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને અધવચ્ચે જ ટ્રેક પર રોકી દીધી હતી. જે કોચમાં આગ લાગી હતી તેમાં કુલ 68 મુસાફરો સવાર હતા. ટ્રેન ઊભી રહેતાની સાથે જ RPF સ્ટાફ અને એટેન્ડન્ટ્સે મોરચો સંભાળી લીધો હતો અને માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં તમામ 68 મુસાફરોને સામાન સાથે સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા.

આગ બાકીની ટ્રેનમાં ન ફેલાય તે માટે રેલવેની તકનીકી ટીમે તાબડતોબ અસરગ્રસ્ત ‘B1’ કોચને ટ્રેનના અન્ય ડબ્બાઓથી કાપીને અલગ કરી દીધો હતો. સાવચેતીના ભાગરૂપે ટ્રેનનો ઓવરહેડ વીજ પુરવઠો (OHE) પણ બંધ કરી દેવાયો હતો.

Exit mobile version