Site icon Time News

ગાંધીનગરમાં 300 કરોડથી વધુના ખર્ચે વૈશ્વિક કક્ષાનું ‘આંજણા ધામ’ નિર્માણ પામશે

વિશ્વના ‘આંજણા’ (ચૌધરી-પટેલ) સમાજના સર્વાંગી વિકાસના કેન્દ્રબિંદુ એવા ‘આંજણા ધામ’નો આગામી તારીખ 5 જાન્યુઆરી 2025 રવિવારના રોજ ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સવારે 9 કલાકે  શિલાન્યાસ તેમજ દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાશે. આ પ્રસંગે શિકારપૂરા આશ્રમ રાજસ્થાનના સંરક્ષક શ્રી શ્રી 1008 મહંત શ્રી દયારામજી મહારાજ આશીર્વચન આપશે. આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને દાતા શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે.

આંજણા ધામના મુખ્ય દાતા અને પ્રમુખ  મણીલાલ ચૌધરી  અને મહામંત્રી અમિતભાઇ ચૌધરીએ જણાવાયું હતું કે, ગાંધીનગરના જમિયતપુરા ખાતે સંસ્કાર, શિક્ષણ અને સેવા સંકલ્પ સાથે 22000 થી વધુ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામનાર વૈશ્વિક કક્ષાના ‘આંજણા ધામ’ માટે ચૌધરી સમાજના દાતાશ્રીઓ દ્વારા અત્યાર સુધીમાં રૂ. 200 કરોડથી વધુનું માતબર રકમનું દાન જાહેર કરવામાં આવ્યું છે. સમાજના દાતાશ્રીઓ દ્વારા આ ભગીરથ કાર્ય માટે અવિરત દાન આવી રહ્યું છે. 

દાતાશ્રીઓ અને સમાજના સહકારથી ગાંધીનગર ખાતે વિશ્વના આંજણા સમાજની પ્રગતિ સમાન અંદાજે રૂ. 300 કરોડથી વધુના ખર્ચે આધુનિક બહુહેતુક કેન્દ્ર તૈયાર કરવાનો સંકલ્પ નક્કી કર્યો છે જેનો રવિવારે શિલાન્યાસ કરીને આ સંકલ્પને પરિપૂર્ણ  કરવાનો ભગીરથ પ્રયાસ શરૂ કરાશે. જે સમાજ માટે ગૌરવ સમાન છે.

આ સંસ્થામાં UPSC/GPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા-વ્યવસાયલક્ષી તાલીમ ક્લાસરૂમ, કુમાર-કન્યા છાત્રાલય, એન.આર.આઈ- સિનિયર સિટીઝન ભવન, ભવ્ય ઓડિટોરિયમ, લાઇબ્રેરી, ભોજનાલય, કોમ્યુનિટી હોલ કાર્યાલય, હેલ્થ કેર યુનિટ- વ્યસન મુક્તિ કેન્દ્ર, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ-યોગ અને ફિટનેસ સેન્ટર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

Exit mobile version