Site icon Time News

અહિંસા અને જીવદયાનો અનોખો પ્રકલ્પ – સાણંદ તાલુકામાં મખીયાવ ગામે ભવ્ય પક્ષીઘર–ચબૂતરા નિર્માણનું ભૂમિપૂજન

શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ તથા મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જીવદયાના ક્ષેત્રે એક વધુ અનોખી અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. જીવદયા રથના ભવ્ય ઓપનિંગ બાદ હવે જ્યાં જ્યાં જરૂરિયાત જણાશે ત્યાં પક્ષીઓ માટે ચણ નાખી શકાય તેવા ૫ થી ૬ ચબૂતરા બનાવવાનો મહત્વાકાંક્ષી સંકલ્પ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.
આ સંકલ્પના અંતર્ગત સાણંદ તાલુકાના મખીયાવ ગામમાં, લાલજી મહારાજની જગ્યા ખાતે ભવ્ય અને આકર્ષક ડિઝાઇનમાં પ્રથમ પક્ષીઘર–ચબૂતરો બનાવવાનો પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે. અંદાજે રૂપિયા ૬ લાખના ખર્ચે નિર્માણ પામનારા આ પ્રથમ ચબૂતરાનું ભૂમિપૂજન મહંત શ્રી ગોવિંદરામ બાપુના પાવન સાનિધ્યમાં ભૂમિદાતાશ્રી ચમનભાઈ રૂપાલીયા તથા રમણભાઈ, તેમજ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી વીરુભાઈ અલગોતર, શ્રી અશ્વિનભાઈ દેદરાણી, શ્રી હર્ષદભાઈ, શ્રી અતુલભાઈ દોશી સહિતના મહાનુભાવોના કરકમળે સંપન્ન થયું.


આ ચબૂતરો વિશિષ્ટ ગણિતીય અને આધ્યાત્મિક સંકલ્પનાથી તૈયાર થવાનો છે. અંદાજે ૨૭ ફૂટ ઊંચો, ૨૭ ફૂટ પહોળો, ૨૭ પાણી પીવાના કુંડા અને ૨૭ પક્ષીઓ માટેના રહેઠાણો સાથે કુલ સુમેળભર્યો શુભ આંકડો ૧૦૮ પ્રાપ્ત થાય તેવી અનોખી ડિઝાઇનમાં આ ચબૂતરો તૈયાર થશે. આવી ભવ્ય અને કલાત્મક ડિઝાઇનનો ચબૂતરો ભાગ્યે જ ક્યાંય જોવા મળે એવો રહેશે.


ચબૂતરાની રચનામાં સ્વચ્છતા, જાળવણી તેમજ પક્ષીઓની સંપૂર્ણ સુરક્ષાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. બિલાડા, કુતરા કે અન્ય શિકારી જીવોથી પક્ષીઓને કોઈ તકલીફ ન પડે તે માટે જરૂરી તમામ તકેદારી અને વ્યવસ્થા ડિઝાઇનમાં સામેલ કરવામાં આવી છે.


ટ્રસ્ટ દ્વારા આ ચબૂતરો ચાર માસની અંદર પૂર્ણ કરવાની યોજના છે, ત્યારબાદ ભવ્ય ઓપનિંગ કાર્યક્રમ યોજાશે. આ પ્રથમ ચબૂતરાની સફળતા બાદ અન્ય સ્થળોએ પણ નવા ચબૂતરા માટે જગ્યા નક્કી કરી કાર્ય શરૂ કરવામાં આવશે.
આ સમગ્ર પ્રકલ્પ દ્વારા પક્ષીઓ પ્રત્યે કરુણા, પર્યાવરણ સંરક્ષણ અને અહિંસાના મૂલ્યો સમાજમાં વધુ મજબૂત બને – એ જ ટ્રસ્ટનો મુખ્ય હેતુ છે.


— શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ
— મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ

Exit mobile version