
એક જ પરિવારના 3 સભ્યોના રહસ્યમય મોતની ઘટના સામે આવી છે. સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતા એક પરિવારના 3 લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. પતિ-પત્ની અને 12 વર્ષીય બાળકની ઘરમાંથી લાશ મળી આવી છે. જોકે, ત્રણેયના મોત કયા કારણોસર થયા છે તે હજી સામે આવ્યુ નથી. ગીઝરના કારણે ગેસ લીકેજ થતા રાત્રે મોત થયાની આશંકા છે. તેમજ રાત્રે ભોજન બાદ ફૂડ પોઈઝનિંગ થયું હોવાની પણ શંકા છે. ઘરમાંથી કોઈ ઝેરી દવાની બોટલ કે આપઘાત કર્યાની ચીઠ્ઠી પણ મળી આવી નથી.
સુરતના લાલગેટ વિસ્તારમાં ઉભી શેરી આવેલી છે. આ શેરીમાં રહેતો પતિ-પત્ની અને બાળકનો નાનકડો પરિવાર આજે સવારે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પતિ સૈયદ ફેઝ, પત્ની મુબીના અને 12 વર્ષના બાળકના મૃતદેહો ઘરમાંથી મળી આવ્યા છે. મૃતક સૈયદ ફૈઝના ભાઈએ ઘરે કોલ કરતા કોઈઓ ફોન ઉપાડ્યો ન હતો. તેથી તેઓએ તપાસ કરતા ઘરમાંથી ત્રણેયના મૃતદેહો મળી આવ્યા હતા.
મૃતકોના નામ
- 36 વર્ષીય પિતા ફૈઝ અહેમદ
- 32 વર્ષીય માતા મુબીના અહેમદ
- 13 વર્ષીય પુત્ર નોમાન અહેમદ
આ ઘટના બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તપાસ કરતા સ્થળ પરથી ઝેરી દવાની કોઈ બોટલ મળી આવી નથી. તેમજ પોલીસે ગેસ લીકેજની આશંકા પણ વ્યક્ત કરી છે.
ડીસીપી રાઘવ જૈને કહ્યુ કે, આ ઘટનામાં ગેસ લીકેજની આશંકા લાગી રહી છે. બાથરૂમ પાસે હીટર લગાવવામાં આવ્યું હતું. હીટર પાસેના એરિયામાં કાળાશ જોવા મળી છે. ઘરમાંથી ઝેરી દવાની બોટલ મળી નથી આવી. રાત્રી દરમિયાન પરિવારે ચિકન ફૂડનો ઓર્ડર કર્યો હતો, તેથી ફૂડ પોઇઝનીગ પણ હોઈ શકે છે. પોસ્ટમોર્ટમની તપાસ બાદ જ મોતનું સચોટ કારણ બહાર આવશે.
