
જામનગરના ટાઉનહોલમાં ગોપાલ ઈટાલિયા પર ચપ્પલ ફેકાયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. સ્ટેજ પરથી ભાષણ આપી રહેલા ઇટાલિયા પર અચાનક ચપ્પલ ફેંકાતા જોરદાર બબાલના દ્રશ્યો જોવા મળ્યા હતા. જૂતું ફેંકનાર શખ્સને ત્યાં હાજર લોકોએ મેથીપાક ચખાડ્યો હતો.
જામનગરના ટાઉનહોલમાં આજે(5 ડિસેમ્બર) આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું હતું. જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ ગોપાલ ઈટાલિયાની આ સભામાં હંગામો થયો હતો. જ્યારે ગોપાલ ઈટાલિયાના વક્તવ્ય સમયે કોઈ વ્યક્તિ દ્વારા તેમના(ગોપાલ ઈટાલિયા) પર હુમલાનો પ્રયાસ કરાયો હતો. અચાનક કોઈ વ્યક્તિએ આગળ આવીને ગોપાલ ઈટાલિયા પર ચપ્પલ ફેંક્યું હતું. ચપ્પલ ફેંકવાની ઘટના બનતા જ ભારે દોડધામ મચી હતી. સ્ટેજ ઉપર બેઠેલા અન્ય અગ્રણીઓ તથા કેટલાક ‘આપ’ના કાર્યકરોએ હુમલાખોરની ધોલાઈ કરી હતી. ત્યારબાદ ચપ્પલ ફેંકનારની પોલીસે અટકાયત કરી હતી.
ગોપાલ ઇટાલિયાના કાર્યક્રમમાં બનેલી ઘટના બાદ તાબડતોબ હુમલાખોર પર એક મહિલા અને એક યુવાન તૂટી પડ્યા હતા. આ ઘટનાએ સમગ્ર કાર્યક્રમમાં ખળભળાટ મચાવી દીધો હતો. હુમલાખોર પર આક્રમક રીતે પડકાર કરનાર સફેદ કપડાંમાં જોવા મળેલાં મહિલા કોંગ્રેસના કોર્પોરેટર અને વકીલ જેનબબેન ખફી છે. મહિલા સાથે અન્ય એક યુવાન જે હુમલાખોર સામે લડી રહ્યો હતો, તે અપક્ષ કોર્પોરેટર અસલમ ખિલજી છે, જે અગાઉ કોંગ્રેસમાં હતા.
સમગ્ર કાર્યક્રમ જેનબબેન ખફી અને અસલમ ખિલજીના આમ આદમી પાર્ટી (AAP) માં જોડાવાના અંગે જ આયોજિત કરવામાં આવ્યો હતો, અને આ જોડાણ પ્રક્રિયા દરમિયાન જ ગોપાલ ઇટાલિયા પર ચપ્પલ ફેંકવાની ઘટના બની હતી.
આરોપીએ હુમલા કરવાનું જણાવ્યું કારણ
જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જુતું ફેંકનાર છત્રપાલસિંહ જાડેજાએ જુતું ફેકવાનું કારણ જણાવ્યું છે. છત્રપાલસિંહે કહ્યું કે તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર થયેલા હુમલાનો બદલો લેવામાં આવ્યો હોવાનું સ્વિકાર્યું છે. છત્રપાલસિંહએ વધુમાં જણાવ્યું કે, તે સમાજપ્રેમી હોવાના કારણે આવું કૃત્ય કર્યું હતું.
