Site icon Time News

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિની અને ડેલિગેશન સાથે કોમનવેલ્થ રાઉન્ડટેબલ બેઠક યોજાઈ

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિની સહિતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે અમદાવાદમાં નારણપુરા ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી. અહીં યોજાયેલી કોમનવેલ્થ રાઉન્ડટેબલ બેઠકમાં ગ્લાસગો ૨૦૨૬ કોમનવેલ્થ ગેમ્સના સફળ આયોજનના અનુભવો અને આગામી અમદાવાદ ૨૦૩૦ સેન્ટેનરી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ અંગે વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો.

આ બેઠકના પ્રારંભે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટે સ્કોટિશ ડેલિગેશનનું ઉષ્માભર્યું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમદાવાદ એક ગ્રીન, સ્માર્ટ અને ગ્લોબલ સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસી રહ્યું છે. ગ્લાસગો ગેમ્સના અનુભવો અને ફ્રેન્ડશિપની ભાવના આપણા માટે પ્રેરણારૂપ છે ત્યારે ૨૦૩૦ના આયોજનમાં આ સહયોગ સોનામાં સુગંધ ભેળવશે, તેવું તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે પ્રતિક્રિયા આપતા સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિનીએ જણાવ્યું હતું કે, ગ્લાસગો ૨૦૨૬ની સફળતા બાદ ભારત અને ગુજરાત સાથે રમતગમત, શિક્ષણ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે થયેલા નવા MoU આપણા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. તેમણે અમદાવાદના આઇકોનિક સ્ટેડિયમ્સ અને સ્પોર્ટ્સ
ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી હતી તથા ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી.

આ મુલાકાત દરમિયાન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, રમતગમત ક્ષેત્રે ટેકનિકલ ભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

રાઉન્ડ ટેબલ બેઠક બાદ મહાનુભાવોએ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કર્યું હતું. સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિની અને ડેલિગેશન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ભવ્યતા અને માળખાકીય સુવિધાઓ જોઈને પ્રભાવિત થયા હતા.

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિની અને ડેલિગેશને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ કબ્બડ્ડી ચેમ્પિયનશિપ અંતર્ગત સ્કોટલેન્ડ તથા ઈંગ્લેન્ડ વચ્ચેની મહિલા કબડ્ડી મેચની રોમાંચક પળો નિહાળી હતી. યોગાનુયોગ આ કબડ્ડી મેચ સ્કોટલેન્ડની મહિલા ટીમે જીતી લીધી હતી. શ્રીયુત સ્વિનીના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને તેઓ મહિલા અને પુરુષ ટીમના સભ્યો સાથે મુલાકાત કરીને જીતની ઉજવણીમાં સહભાગી થયા હતા.

રાઉન્ડ ટેબલ બેઠક અને મુલાકાત વેળાએ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અને કોમનવેલ્થ ગેમ્સ ઓર્ગેનાઈઝિંગ કમિટીના સીઈઓ શ્રી એમ. થેન્નારસન, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન સુશ્રી રેમ્યા મોહન, રમતગમત વિભાગના સેક્રેટરી શ્રી રાહુલ ગુપ્તા, ઔડાના સીઈઓ શ્રી મિરાંત પરીખ, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ પુષ્પલતા, રમતગમત વિભાગના સેક્રેટરી મમતા પ્રજાપતિ, અર્ન્સ્ટ એન્ડ યંગ એલએલપીના શ્રી પ્રાંશુ જૈન સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સ્કોટલેન્ડ તરફથી કોમનવેલ્થ ગેમ્સ સ્કોટલેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી જોન ડોઇગ, કોમનવેલ્થ ગેમ્સ સ્કોટલેન્ડના ચેરમેન શ્રી આયાન રીડ, ગ્લાસગો ૨૦૨૬ના ચીફ માર્કેટિંગ એન્ડ સેરેમનીઝ ઓફિસર સુશ્રી લુઇસા માહોન, ગ્લાસગો ૨૦૨૬ના ચીફ ઓપરેટિંગ ઓફિસર સુશ્રી જેડ ગેલાઘર, સ્કોટલેન્ડ સરકારના સ્પેશિયલ એડવાઇઝર શ્રી રોસ ઇન્ગેબ્રિગ્ત્સન, સ્કોટલેન્ડ સરકારના ફર્સ્ટ મિનિસ્ટરના પ્રિન્સિપલ પ્રાઇવેટ સેક્રેટરી શ્રી જોન વેબસ્ટર, સ્કોટલેન્ડ સરકારના હેડ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન્સ સુશ્રી તારા લાઇલ, યુનિવર્સિટી ઓફ સ્ટર્લિંગના ડેપ્યુટી વાઇસ ચાન્સેલર શ્રી નેવિલ વાયલી અને બિઝનેસ એન્ડ ટ્રેડ વિભાગના સ્પોર્ટ્સ ઇકોનોમી ડિપાર્ટમેન્ટના સિનિયર ટ્રેડ એડવાઇઝર સુશ્રી અમી રાણિંગા તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રમતગમત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version