બોરીસણાના પેટ્રોલ પંપ માલિકનો બે દીકરીઓ સાથે આપઘાત; નર્મદા કેનાલમાંથી બેના મૃતદેહ મળ્યા

ગાંધીનગરના કલોલના બોરીસણા ગામના એક બિઝનેસમેને નર્મદા કેનાલમાં 2 દીકરી સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. 2 દીકરીનો મૃતદેહ મળ્યો છે જ્યારે પિતાની શોધખોળ ચાલુ છે. આ ઘટનાને પગલે બોરીસણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી વિગતો અનુસાર કલોલના બોરીસણ ગામમાં રહેતા અને પેટ્રોલ પંપના માલિક ધીરજભાઇ ભલાભાઇ રબારી શુક્રવારે સવારે ઘરેથી આધાર કાર્ડ કઢાવવા જવાનું બહાનું કાઢીને પોતાની બે દીકરીઓ સાથે નીકળ્યા હતા. જોકે ધીરજભાઇ મોડી સાંજ સુધી દીકરીઓ સાથે ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. પરિવારે તાત્કાલિક સાંતેજ પોલીસ મથકે સંપર્ક સાધી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદના આધારે સાંતેજ પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલ પંપ માલિક અને તેમની બે દીકરીઓની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન આજે શનિવારે સવારે કલોલ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બંને માસૂમ બાળકીઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

પોલીસે તાત્કાલિક બંને બાળકીઓના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. ઉલ્લેખનીય છે કે, ધીરજભાઇ રબારીનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી, અને તેમની શોધખોળ માટે કેનાલમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *