અમદાવાદમાં નોકરીની લાલચે યુવતીઓને દેહવેપારમાં ધકેલવાનો પ્રયાસ, પોલીસે સગીરા સહિત બેને છોડાવી

ગુજરાતમાં માનવ તસ્કરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજકોટની એક સગીરા સહિત બે યુવતીઓને બેંકમાં નોકરી અપાવવાની લાલચ આપી અમદાવાદ લાવવામાં આવી હતી અને તેમને દેહવેપારમાં ધકેલવાનો પ્રયાસ કરાયો હતો. આ ઘટનાને લઇને નિકોલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો જોઇએ તો અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી પી.વી.આર હોટલ ખાતે ગોંધી રાખવામાં આવેલી 24 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે, તે અને તેની એક સગીર મિત્રને રાજદીપસિંહ જાડેજા, માહી ઓળખે મમતા પટેલ, બ્રીજરાજસિંહ ચૌહાણ, લાલાભાઈ અને સોનલબેન તેમજ મહેશભાઈએ બેંકમાં નોકરી અપાવવાનું વચન આપી અમદાવાદ લાવ્યા હતા. જોકે, અમદાવાદ પહોંચ્યા બાદ આ યુવતીઓને નિકોલની પી.વી.આર હોટલમાં ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવી હતી અને તેમને દેહવેપાર માટે દબાણ કરવામાં આવ્યું હતું.
ફરિયાદી યુવતીએ જણાવ્યું કે આરોપીઓએ તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી તે ડરના માર્યા આ ગેરકૃત્યમાં સામેલ થવા મજબૂર થઈ હતી. જોકે, યુવતીએ હિંમત દાખવી પોતાના પરિવાર અને નિકોલ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જાણ થતાં જ નિકોલ પોલીસે તાત્કાલિક હોટલ પર રેડ કરી, યુવતીઓને મુક્ત કરી અને આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી.નિકોલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમો અને ઇમોરલ ટ્રાફિકિંગ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓની ધરપકડ માટે ટીમો રચવામાં આવી છે અને હોટલના રેકોર્ડ, CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, પોલીસ આ રેકેટની પાછળ અન્ય વ્યક્તિઓની સંડોવણી અને આવા ગેરકાયદેસર ધંધાના નેટવર્કની તપાસ કરી રહી છે.