શહેરીકરણથી વિશ્વના સૌથી જોખમી એરપોર્ટમાં અમદાવાદ એરપોર્ટ પણ સામેલ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જવા માટે ટેક ઓફ થયેલુ વિમાન ક્રેશ થયાને એક મહિનો પૂરો થયો છે. આ પ્લેન ક્રેશ થઈને રહેણાંકમાં પડતાં 241 મુસાફર- ક્રૂ મેમ્બર સિવાયના 19 વ્યક્તિઓએ પણ જીવ ગુમાવ્યો હતો. જેની સાથે જ એરપોર્ટ શહેરથી દૂર હોવું જોઈએ તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. તાજેતરમાં જ હાથ ધરાયેલા અભ્યાસમાં શહેરીકરણથી સૌથી વધુ ઘેરાયેલા વિશ્વના સૌથી ટોચના 50 એરપોર્ટમાં અમદાવાદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
શહેરીકરણથી ઘેરાયેલા હોવાથી સૌથી જોખમી એરપોર્ટનો અભ્યાસ તાજેતરમાં હાથ ધરાયો હતો. જેમાં વિશ્વના સૌથી ટોચના 50 એરપોર્ટમાં ભારતના 8 એરપોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ સમગ્ર વિશ્વમાં ટોચના સ્થાને જ્યારે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ 12માં સ્થાને છે. ભૌગોલિક નિષ્ણાતો દ્વારા એરપોર્ટની આસપાસના 15 કિલોમીટરમાં વસતીને આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. એરપોર્ટની આસપાસ ગીચ વસતી જેમ વધુ હોય તેમ પ્લેન ક્રેશ વખતે જાનહાનીનું જોખમ વધે છે. તેમજ એરપોર્ટની આસપાસ રહેતા લોકોને ધ્વનિ- હવાના પ્રદૂષણનું જોખમ વધારે હોય છે.