અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ AAIBએ સરકારને સોંપ્યો

અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB)એ સરકારને સોપ્યો છે. આ વિમાન દુર્ઘટના કેવી રીતે બની તે હવે સામે આવી શકશે. મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદમાં 12 જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 ક્રેશ થતા આ ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફર સહિત 275 લોકોના મોત થયા હતા.
સુત્રો અનુસાર, વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો (AAIB)એ AI171 વિમાન દુર્ઘટના પર પોતાનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને સંબંધિત અધિકારીઓને સોપી દીધો છે. દાખલ કરવામાં આવેલો રિપોર્ટ તપાસની શરૂઆતના નિષ્કર્ષો પર આધારિત છે.
અમદાવાદમાં 12 જૂન ગુરૂવારના રોજ બપોરે 1.38 વાગ્યે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી AI 171 ફ્લાઈટે ઉડાન ભરી હતી, જેની બે મિનિટમાં જ 1.40 વાગ્યે જ વિમાન ધડાકાભેર બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની ઈમારત સાથે અથડાયુ હતું. જેમાં સવાર 241 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતાં. એકમાત્ર મુસાફરનો આબાદ બચાવ થયો હતો. ઈમારતમાં ઉપસ્થિત અને આસપાસના અન્ય 19 લોકો પણ માર્યા ગયા હતાં.