Rajkot: વિરાણી સ્કૂલમાં વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ સંપન્ન, વિદ્યાર્થીઓને જ્ઞાન-વિજ્ઞાનનું રસપાન કરાવ્યું

રાજકોટ વિરાણી સ્કૂલમાં નવા સત્રના પ્રારંભે જ્ઞાન-વિજ્ઞાનના નવતર કાર્યક્રમમાં છાત્ર-છાત્રાઓમાં અંધશ્રદ્ધા નિવારાણાર્થે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. ભારતમાં શાળા, લેબોરેટરી, વૈદ્યશાળા, પુસ્તકાલય, યુનિવર્સિટી, રમતગમતની તાતી જરૂરીયાત છે તેની ઉપર વિશદ્દ માહિતી આપવામાં આવી હતી. જાથાનો ૧૦૦૬૨ મા કાર્યક્રમને સફળતા મળી હતી. ‘એ’ ડિવીઝન પોલીસ સ્ટેશને પુરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.
કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટનમાં રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, પ્રભારી શાળાના ટ્રસ્ટી પરેશભાઈ ઠાકર, કેમ્પસ ડાયરેકટર સુનિલભાઈ સોલંકી, હાઈસ્કૂલના આચાર્યા હરેન્દ્રસિંહ ડોડીયા, સામતભાઈ કાગળીયા, મીતલબેન રાવલની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે છાત્રોને સંબોધતા જણાવ્યું કે અંધશ્રદ્ધાને દેશવટો આપવાની તાતી જરૂરીયાત છે. વિજ્ઞાન અભિગમથી રાષ્ટ્ર મજબુત બને છે. તેમણે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. મહાનગરપાલિકાના દંડક મનિષભાઈ રાડીયાએ શ્રદ્ધા અંધશ્રદ્ધાનો ભેદ પારખવાની જરૂર છે. અંધશ્રદ્ધાથી માનવીને બરબાદી મળી છે. ભાવિ પેઢીને ધ્યાનમાં રાખી જુના-રદ્દી વિચારોને તિલાંજલિ આપવા હાકલ કરી હતી.

શાળાના ટ્રસ્ટી, ભા.જ.૫. ના પ્રભારી પરેશભાઈ ઠાકરે ઉદ્દઘાટન કરતાં જણાવ્યું કે વિજ્ઞાન જાથા વર્ષોથી પાખંડ સામે કામ કરે છે. લોકોની ફરજ બને છે કે અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવી, સામુહિક પ્રયાસથી અંધશ્રદ્ધા નાબુદ થશે. કેમ્પસ ડાયરેકટર સુનિલભાઈ સોલંકીએ વ્હેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો, વ્યસનો, જુની માન્યતા, પરંપરાને ત્યાગી નવાંગતુક વિચારોને પ્રાધાન્ય આપવાની તાતી જરૂરીયાત છે. શાળાના આચાર્યા મિતલબેન રાવલે શાળા સત્રના પ્રારંભે નવો અભિગમ મુકવાની નેમને સફળતા મળી છે. જ્ઞાન-વિજ્ઞાન દેશનો પાયો છે.

જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ છાત્રોને સંબોધતા જણાવ્યું કે વિજ્ઞાનની શોધ માનવ કલ્યાણ માટે હોય છે. વિજ્ઞાને અનેક રહસ્યો ખોલી નાખ્યા છે. તેનો સદ્દઉપયોગ કરી સાથે મળીને રાષ્ટ્રને મજબુત કરવાની જરૂર છે. વિજ્ઞાનને સરહદના સીમાડા નડતા નથી.વિજ્ઞાનમાં જો અને તો ને સ્થાન નથી. અનેક કસોટીને એરણે ચડાવ્યા પછી સચોટ માન્યતા મળી છે. લોકોને વિજ્ઞાનથી ફાયદો થયો છે તે નજરે જોઈએ છીએ. ભારતમાં મહિલાઓ તાંત્રિકો, લેભાગુ, ભુવાઓ, મુંજાવરોનો વારંવાર ભોગ બને છે. જાગવાની જરૂર છે. ઘરથી સુધારો કરવાની જરૂર છે. દેશની પ્રગતિનો આધાર વિજ્ઞાન છે. જાથા સતત ફિલ્ડ ઉપર કામ કરી વિવેકાધીન કાર્ય કરે છે. લોકોનો સ્વયંભુ ટેકો મળે છે. ટીમવર્કની પ્રશંસા કરી હતી.

જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ છાત્રાઓ, વાલીને સંબોધતા જણાવ્યું કે શિક્ષણ આવવાથી બે નહિ ચાર આંખની દ્રષ્ટિ મળે છે. પરિવારને સુખી સમૃધ્ધ કરવું હોય તો શિક્ષણની આવશ્યકતા અતિ જરૂરી છે. માનવીને મુશ્કેલીના સમયે વિજ્ઞાન દ્રષ્ટિકોણ લાભપ્રદ છે. યુરોપ ખંડની પ્રગતિનો આધાર વિજ્ઞાન સાથે તર્કના મૂલ્યાંકનને આભારી છે. ભારતમાં શાળા, લેબોરેટરી, વૈદ્યશાળા, પુસ્તકાલય, યુનિવર્સિટી, ઉદ્યોગ-રોજગારી કેન્દ્રની માનવ સમાજ માટે ઉપયોગી છે. ધર્મ કે ધાર્મિક સ્થાને વિશ્વની એકપણ સમસ્યા ઉકેલી શકયા નથી. ધર્માંધતા માનવીને પાંગળો બનાવે છે. અતિશ્રદ્ધા અંધશ્રદ્ધામાં સરી પડે નહિ તેની અતિ કાળજી રાખવી જોઈએ. અંધશ્રદ્ધાથી માનવીને પાયમાલી મળી છે. અંધશ્રદ્ધાને દેશવટો આપવો જોઈએ. કોઈપણ ધર્મના નેતાએ પોતાના દેશની એકપણ સમસ્યા ઉકેલી નથી. પોતાની મહત્તા વધારી લોકોને ધાર્મિક ચિહનો, કર્મકાંડ-ક્રિયાકાંડો તરફ દોરી જઈને શારીરિક, માનસિક આર્થિક શોષણ કર્યું છે તેથી જાગવાની જરૂર છે.

જાથાના પંડયાએ વાસ્તુશાસ્ત્ર, ફેંગસૂઈ, અંકશાસ્ત્ર, છાયાશાસ્ત્ર, જ્યોતિષ, સીગ્નેચર વિગેરે અવૈજ્ઞાનિક, અવાસ્તવિક, અતાર્કિક હોય તેનું અનુસરણ કરવાથી માનવીને અધોગતિ મળે છે. વિજ્ઞાન યુગમાં લોકોએ જાગવાની જરૂર છે. ભૂત-પ્રેત, જીન્નાત, ખવીસ, ચુડેલ, ડાકણ, મામો, અદ્રશ્ય શક્તિ, દિવ્ય શક્તિ, આસુરી શક્તિ જેનું અસ્તિત્વ જ નથી તેનો ભય, ડર કાઢી નાખવાની તાતી જરૂરીયાત છે. સદીઓ પુરાણા વિચારોને તિલાંજલિ આપી વિજ્ઞાન-ટેકનોલોજી, નેનો, એ.આઈ. ની સિધ્ધીઓને અનુસરીને આપણા બાળકોને સિધ્ધી હાંસલ કરવાના પ્રયત્નો કરવા જોઈએ.


જાથાના પંડયાએ વૈજ્ઞાનિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ-લોહી નીકળવું, સંમોહન, કાનેથી ચિઠ્ઠી વાંચવી, ઉકળતા તેલમાંથી હાથેથી પુરી તળવી, એકના ડબલ, બોલતું તાવીજ, હઝરતમાં જોવું, બેડી તુટવી, ધૂણવું-સવારી આવવાની ડિંડક લીલા વિગેરેનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવ્યા હતા. પ્રયોગ નિદર્શનમાં મીમીકી આર્ટીસ્ટ ઉમેશ રાવ, તુષાર રાવ, સંજયભાઈ, જાથાના અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, ભાવનાબેન વાઘેલા એડવોકેટ, ભાનુબેન ગોહિલે ભાગ લીધો હતો. શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક હિરેનભાઈ સુવાએ ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી તેની કદર કરવામાં આવી હતી. શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
જાથાનો ૧૦૦૬૨ મો કાર્યક્રમ સફળ બન્યો હતો. વધુ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.
આ પણ વાંચો, CORONA: ગુજરાતમાં 1000થી વધુ તો દેશભરમાં 6000ને પાર થયા કોરોના કેસ, સાવચેતી ખૂબ જરૂરી