Ahmedabad: IPL ફાઇનલ માટે BCCIનું સ્પેશિયલ પ્લાનિંગ: ક્લોઝિંગ સેરેમનીમાં ‘ઓપરેશન સિંદૂર’ના નાયકોને સલામી આપવામાં આવશે

IPL 2025ની ક્લોઝિંગ સેરેમનીમાં ‘ઓપરેશન સિંદૂર’માં સેનાની બહાદુરીને સલામ કરવામાં આવશે. BCCIએ ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓને 3 જૂને અમદાવાદમાં યોજાનારી ફાઈનલ મેચ માટે આમંત્રણ આપ્યું છે.
બોર્ડ સેક્રેટરી દેવજીત સૈકિયાએ મંગળવારે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા માટે અમે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ સહિત અન્ય સર્વિસ ચીફ્સ, અધિકારીઓ અને સૈનિકોને અમદાવાદમાં IPLની ફાઈનલ મેચ જોવા માટે આમંત્રણ આપ્યું છે.’
22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ પછી, પાકિસ્તાનની યુદ્ધવિરામની વિનંતી પર ભારતે પોતાનું ઓપરેશન બંધ કરવા સંમતિ આપી.
BCCI સેક્રેટરી સૈકિયાએ કહ્યું, ‘સેના પ્રત્યે પ્રશંસાના પ્રતીક તરીકે અમે સમાપન સમારોહ સશસ્ત્ર દળોને સમર્પિત કરવાનો અને અમારા નાયકોનું સન્માન કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ક્રિકેટ એક રાષ્ટ્રીય ઝનૂન રહ્યું છે, ત્યારે આપણા રાષ્ટ્ર અને એની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષાથી મોટું કંઈ નથી.’
IPLની બાકીની મેચ 17 મેથી શરૂ થઈ હતી. નવા શિડ્યૂલ મુજબ આ સિઝનની ફાઈનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.