Gandhinagar: PM મોદીએ કાંકરિયા-અટલબ્રિજની ટિકિટનું રહસ્ય ખોલ્યું

આજે ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી અઢી કિ.મી.નો રોડ શો પૂર્ણ કરી પીએમ મહાત્મા મંદિર પહોંચ્યા હતા. વડાપ્રધાનની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી સંઘવી, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ સહિતના નેતાઓ જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ રૂ.5,536 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને જનસભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે વિદેશી વસ્તુઓ ના ખરીદી ઓપરેશન સિંદૂરને સફળ બનાવવાનું છે, આ વખતે બધું કેમેરાની સામે કર્યું એટલે કોઈ પુરાવા નહીં માંગે. આ ઉપરાંત મોદીએ 55 મિનિટના ભાષણમાં કાંકરિયા-અટલબ્રીજની ટિકિટનું રહસ્ય પણ ખોલ્યું હતું.
સંબોધનમાં પીએમએ કહ્યું, મેં કાંકરિયાનું પુનઃ નિર્માણનું કામ કર્યું અને તેમા પણ ટિકિટ લગાવી, તો કોંગ્રેસે આંદોલન કર્યું, કોર્ટ સુધી પહોંચી ગયા. પરંતુ એ નાનકડા પ્રયાસે આજે કાંકરિયાને બચાવીને રાખ્યું છે. આજે દરેક સમાજનો વર્ગ સુખ શાંતિથી ત્યાં જાય છે. અટલ બ્રિજ વખતે પણ એવું જ થયું હતું. જ્યારે હું ઉદ્ધાટન કરવા આવ્યો ત્યારે ઉદ્ધાટન પહેલાં જ પાનની પિચકારીઓ જોવાતાં મેં કીધુ કે આના પર ટિકિટ રાખો, તો ઘણા લોકોએ કીધુ કે સાહેબ ચૂંટણી છે, પણ મેં દિલ્હી જઇને ફરીથી ફોન કર્યો કે ટિકિટ લગાવી કે નહીં?. અમે ટિકિટ પણ લગાવી અને ચૂંટણી પણ જીત્યા એટલે જ કહું છું કે, વિકાસ ક્યારેય સમાજ વિરોધી નથી હોતો.
6 મેની રાત, ઓપરેશન સિંદૂરનો પ્રારંભ સૈન્ય બળથી થયો હતો પણ હવે જનબળથી આગળ વધશે. દરેક માણસ દેશના વિકાસ માટે ભાગીદાર બને. દેશની ઇકોનોમીને 03 નંબર લાવવા આપણે વિદેશી માલ નથી વેચવાનો, સ્વદેશી અપનાવવું છે અને ઓપરેશન સિંદૂરને સફળ બનાવવાનું છે. 2047માં ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યાં સુધીમાં આપણે દેશને એક અલગ ઉંચાઇએ લઇ જવાનો છે.
આ પણ વાંચો, Gandhinagar: વર્ષ 2035માં ગુજરાતના 75 વર્ષની ઉજવણીનો રોડમેપ તૈયાર કરોઃ PM મોદી