Ahmedabad: અમદાવાદ પોલીસ લાઈનમાં વસતા બાળકો માટે સમર કેમ્પનું આયોજન, પોલીસ કમિશનરે કેમ્પની વિઝિટ કરી

ઉનાળા ના વેકેશન દરમિયાન લાંબી રજાઓ દરમિયાન પોલીસ લાઈનમાં વસવાટ કરતા લાઈન બોયના માનસમાં સકારાત્મક ક્રિએટિવિટીનો વિકાસ થાય અને લાઈન બોયની છાપ સુધરે, ઉપરાંત પોલીસ લાઈનમાં વસતા બાળકોમાં સકારાત્મક પ્રવૃત્તિનો વિકાસ થાય, એવા શુભ આશયથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા નવતર પહેલ કરી, અમદાવાદ શહેર પોલીસ હેડ ક્વાર્ટર, ગાયકવાડ હવેલી, દાણીલીમડા, ઈસનપુર, વટવા, મણિનગર, ગોમતીપુર, શાહીબાગ, ઓઢવ, વિગેરે જગ્યા ખાતે આવેલ પોલીસ લાઈનમાં સામજિક સંસ્થાઓના સહકારથી સમર કેમ્પનું આયોજન કરવા તમામ થાણા અમલદારો અને પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવી છે.

ઝોન 06 વિસ્તારમાં ઈસનપુર અને દાણીલીમડા લાઇનના બાળકો માટે, ઈસનપુર સૌરાષ્ટ્ર પટેલ સમાજના હોલ ખાતે, વટવા પોલીસ સ્ટેશન ખાતે અને મણિનગર પોલીસ દ્વારા બેસ્ટ સ્કુલ ખાતે જુદા જુદા ત્રણ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશરે 175 જેટલા પોલીસ લાઈનમાં વસતા બાળકો દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે.


અમદાવાદ શહેર પોલીસ દ્વારા સેવાકીય સંસ્થા કોફી વિથ ક્રિએટિવિટીના સહયોગથી શરૂ કરવામાં આવેલ આ સમર કેમ્પમાં બાળકોને પેઇન્ટિંગ, કેલીગ્રાફી, કરાટે, ડાન્સ, ચેસ, મહેંદી, વિગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેનાથી બાળકોમાં સ્વયમ શિસ્ત, સ્વનિર્ભરતા, ક્રિએટિવિટી અને સર્વાંગી વિકાસના ગુણો પણ વિકસિત થાય છે. અમદાવાદ શહેર ખાતે પોલીસ લાઈનમાં વસવાટ કરતા બાળકો માટેના આ સમર કેમ્પ સફળ કરવા માટે મણિનગર પીઆઈ ડી.પી.ઉનડકટ, વટવા પીઆઈ પી.બી.ઝાલા, ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા, દાણીલીમડા પીઆઈ જી.જે.રાવત, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એન.કે. જાડેજા, she team ના સભ્યો અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. આ સમર કેમ્પમાં સંસ્થાના નીરવભાઈ શાહ, અર્પિતાબેન છત્રપતિ, શ્રુતિબેન આલમલ, સહિતના ઇન્સ્ટ્રકટર દ્વારા માનદ સેવા આપી, બાળકોના સર્વાંગી વિકાસ માટે ફાળો આપેલ છે.

આજરોજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, અધિક પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડ, ડીસીપી ઝોન 06, રવિ મોહન સૈની, સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા ઈસનપુર, મણિનગર અને વટવા ખાતે ચાલતા સમર કેમ્પની વિજીટ કરી, પોલીસ પરીવારના બાળકો તથા તેના માતાપિતા અને માનદ સેવા આપતા ઇન્સ્ટ્રકટરને મળી, પોલીસ પરિવાર દ્વારા આયોજિત સમર કેમ્પમાં કરવામાં આવતી પ્રવૃતીની સમીક્ષા કરી, અમદાવાદ શહેર પોલીસની કામગીરીની સરાહના કરી, બિરદાવવામાં આવી હતી. પોલીસ લાઈનમાં વસતા બાળકોના માતાપિતા દ્વારા પણ પોલીસ કમિશનર દ્વારા ગત વર્ષથી શરૂ કરવામાં આવેલ સમર કેમ્પના નવતર આયોજનના કારણે બાળકો વેકેશન દરમિયાન પ્રવૃતિમય રહેતા હોય, સર્વાંગી વિકાસ થતો હોવાનું જણાવી, સંતોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો, Bhachau: વિજ્ઞાનજાથાએ રંગીન મિજાજી ભુવાનો પર્દાફાશ કર્યો, દોરા-ધાગા અને ધૂણવાના નામે મહિલાઓની છેડછાડ કરતો