Amreli: સાવજોના વિસ્તારમાં આગ ભભૂકી; સિંહ, દીપડા અને હરણ અહીં કરે છે વસવાટ

અમરેલી જિલ્લામાં સિંહોના ટોરેન્ટ વિસ્તામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક બાવળની ઝાડીઓમાં વિકાળ આગ લાગતા વન વિભાગ અને ફાયર જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ વિસ્તારમાં સિંહ, દીપડા અને હરણનો વસવાટ હોવાથી વન વિભાગની ચિંતા વધી છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ સવારે 10 થી 11 વાગ્યાના અરસામાં રાજુલાના રામપરા ગામ પાસે આવેલી બાવળની ઝાડીઓમાં અગમ્ય કારણોસર આગ લાગી છે. આ વિસ્તારમાં જંગલી અને પાલતુ પ્રાણીઓ વસવાટ કરતા હોવાથી એમને કંઇ નુકસાન ન જાય એના માટે સ્થાનિક આઈએફએસ ફાતેહ મીણા સહિત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.બાવળની ઝાડીઓમા્ં લાગેલી આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતાં એને કાબૂમાં લેવા પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક કોવાયા પાવર પ્લાન્ટ, સિન્ટેક્ષ, શ્વાન એનર્જી કંપની સહિત આસપાસની કંપનીઓની ફાયર વિભાગની ટીમો પ્રયાસો કરી રહી છે.

રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક ટોરેન્ટ કંપનીની 1000 વિઘા કરતા વઘુ જમીન આવેલી છે. જેમાં કોઇ ઉદ્યોગ ન હોવાથી આ જમીન માત્ર પડતર છે. જેથી એમાં મહાકાય બાવળ ઉભા છે. આ બાવળની અંદર સિંહ, દીપડા અને હરણ જેવા અનેક પ્રાણીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. અહીં સૌથી વધુ સિંહ વસવાટ કરતા હોવાનું વનવિભાગનું કહેવું છે. જેથી આ આગથી સિંહ સહિત કોઇપણ પ્રાણીને નુકસાન ન પહોંચે એ માટે ફાયર વિભાગની ટીમો સાથે વન વિભાગના અધિકારીઓ વિષેશ તકેદારી રાખીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
IFS ફતેહસિંહ મીણાએ જણાવ્યું કે, આગ પર મોટા ભાગે કંન્ટોલ મેળવી લેવાયો છે. જોકે, હજી સાવ કાબૂમાં નથી આવી. કલાકોથી આગ ચાલતી હોવાના કારણે સિંહોના રહેઠાણ બળીને ખાખ થયા છે. જોકે, આ આગની ઘટનાથી સિંહો સહિત અન્ય કોઇ પ્રાણીઓને કોઇ નુકસાન નથી. વન વિભાગના કર્મચારીઓ અત્યારે ઝાડીઓમાં તપાસ કરી રહ્યા છે. સાંજ સુધીમાં વનવિભાગ આખાય વિસ્તારમાં વન્યપ્રાણી અંગે તપાસ કરી લેવાશે.
આ પણ વાંચો, Ahmedabad: કૃષ્ણનગરમાં પતિએ પત્નીને માનસિક ત્રાસ આપી મારપીટ કરી, 181 અભયમ ટીમ વ્હારે આવી