Gujaratમાં 4.48 કરોડથી વધુ મતદારો નોંધાયા, મુસદ્દા મતદાર યાદી જાહેર; 26 ડિસેમ્બર સુધી વાંધા-દાવા કરી શકાશે

Gujarat Voters news: ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા ફોટો મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SSR-2027) અંતર્ગત શુક્રવારે, 27 નવેમ્બરે રાજ્યની એકીકૃત મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારો માટે જાહેર કરવામાં આવેલી આ યાદીમાં કુલ 4,48,77,288 મતદારો નોંધાયા છે.
ચૂંટણી પંચના આંકડા મુજબ, ગત આખરી મતદાર યાદીની સરખામણીમાં ગુજરાતમાં છેલ્લા 10 મહિનામાં 8,46,563 નવા મતદારોનો વધારો થયો છે. આ સાથે રાજ્યમાં મતદારોની કુલ સંખ્યા 4.48 કરોડને પાર પહોંચી ગઈ છે.
26 ડિસેમ્બર સુધી રજૂ કરી શકાશે વાંધા-દાવા
મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ નાગરિકો પોતાના નામની ચકાસણી કરી શકશે. જો મતદાર યાદીમાં નામ ન હોય અથવા કોઈ વિગતોમાં ભૂલ હોય તો હક્ક-દાવા અને વાંધા માટે 26 ડિસેમ્બર, 2026 સુધી અરજી કરી શકાશે. નવા મતદારો નામ ઉમેરવા તેમજ હાલની વિગતોમાં સુધારા માટે પણ અરજી કરી શકશે.
નવા મતદારોના નામ ઉમેરવા ખાસ ઝુંબેશ
ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવા અને સુધારા માટે ત્રણ ખાસ ઝુંબેશ દિવસો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ 29 નવેમ્બર, 6 ડિસેમ્બર અને 13 ડિસેમ્બર, 2026ના રોજ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
આ દિવસોમાં બૂથ લેવલ ઓફિસર (BLO) સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન મથકો પર હાજર રહેશે. નાગરિકો BLOનો સંપર્ક કરીને મતદાર યાદી સંબંધિત જરૂરી કામગીરી કરાવી શકશે.
ઓનલાઈન પણ કરી શકાશે અરજી
મતદારોની સુવિધા માટે ચૂંટણી પંચે ઓનલાઈન પોર્ટલ અને એપ મારફતે પણ અરજી કરવાની વ્યવસ્થા કરી છે. આ માધ્યમથી નવા મતદારો નામ નોંધાવવા ઉપરાંત મતદાર યાદીમાં જરૂરી સુધારા માટે પણ અરજી કરી શકશે.
સમગ્ર સુધારણા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 18 જાન્યુઆરી, 2027ના રોજ ગુજરાતની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ચૂંટણી પંચે નાગરિકોને પોતાની વિગતો તપાસીને સમયમર્યાદામાં જરૂરી સુધારા કરાવવા અપીલ કરી છે.