વાયબ્રન્ટ સમિટ 2027ની તૈયારીઓ તેજ, CM Bhupendra Patelએ GIFTએ સિટીનું કર્યું નિરીક્ષણ

CM Bhupendra Patel inspects GIFT City: ગુજરાતમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે સવારે GIFT સિટીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સમિટના વિવિધ કાર્યક્રમોના આયોજન સ્થળોની મુલાકાત લઈને તૈયારીઓ અને ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 અંતર્ગત 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન GIFT સિટીમાં ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોની શ્રેણી યોજાવાની છે. આ કાર્યક્રમોમાં વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ, રોકાણકારો, ઉદ્યોગજગતના અગ્રણીઓ અને ભારતીય ડાયસ્પોરાના સભ્યો એક મંચ પર આવશે.

આ કાર્યક્રમોમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સહયોગ, વૈશ્વિક મૂડી પ્રવાહ, ઉભરતી નાણાકીય ટેક્નોલોજી, નાણાકીય સેવાઓ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC), ઉદ્યોગ ભાગીદારી અને રોકાણની તકો જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઇવેન્ટ્સ દ્વારા આંતરરાષ્ટ્રીય નાણાકીય ક્ષેત્રમાં ગુજરાતની વધતી ક્ષમતાઓ રજૂ કરવાની સાથે વૈશ્વિક સંસ્થાઓ સાથેની ભાગીદારી મજબૂત બનાવવા અને રાજ્યમાં નવા રોકાણો આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવશે.

CM Bhupendra Patelએ મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને વરિષ્ઠ સચિવો સાથે GIFT સિટી પહોંચ્યા હતા. અહીં યોજાયેલી સમીક્ષા બેઠકમાં વાયબ્રન્ટ સમિટ 2027ની તૈયારીઓ ઉપરાંત વર્ષ 2030 સુધીના GIFT સિટીના વિકાસ રોડમેપ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં નાણાકીય અને વ્યવસાયિક ઇકોસિસ્ટમના વિસ્તરણ તેમજ ભૌતિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસ અંગે વિગતો આપવામાં આવી હતી.

સમિટની સફળતાને પગલે GIFT સિટીમાં વ્યવસાય, રોજગાર અને રહેઠાણ માટે વસવાટ કરતા લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઊભી કરવામાં આવી રહેલી સુવિધાઓની પણ મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી. હોસ્પિટલ, શોપિંગ મોલ સહિતની મૂળભૂત માળખાકીય સુવિધાઓની પ્રગતિ અને નિર્માણાધીન વિવિધ સાઇટ્સની કામગીરીની માહિતી તેમણે મેળવી હતી.

આ પ્રસંગે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ નટરાજન, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ અજય કુમાર તેમજ GIFT સિટીના MD અને ગ્રુપ CEO સંજય કૌલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *