મોંઘીદાટ કારો પાછળ અમદાવાદીઓ દિવાના! શહેરમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં ઐતિહાસિક ઉછાળો, ત્રણેય RTOમાં ચોંકાવનારા આંકડા

ગુજરાતની ઓળખ હવે માત્ર ટેક્સટાઇલ કે બિઝનેસ હબ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ અમદાવાદ જેવા શહેરના રસ્તાઓ પર દોડતી કરોડો રૂપિયાની કિંમતની લક્ઝુરિયસ કાર અહીંના લોકોની વધતી જતી અને બદલાતી જીવનશૈલીની ચાડી ખાઈ રહી છે. આ વાત અમે નહીં, RTO કચેરીના આંકડાઓ કહી રહ્યા છે. અમદાવાદની ત્રણેય આર.ટી.ઓ. (RTO) કચેરીઓના તાજેતરના આંકડા પર વાત કરીએ તો ચાલુ વર્ષે 20 લાખથી લઈને 4 કરોડ સુધીની પ્રીમિયમ અને લક્ઝુરિયસ કારના રજિસ્ટ્રેશનમાં ગત વર્ષની સરખામણીએ 38.92 ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે.
RTO કચેરીના આંકડાકીય માહિતી પર નજર કરીએ તો, ગત વર્ષ-2025માં રૂ. 50 લાખથી 1 કરોડ સુધીની કિંમતની કુલ 774 કાર વેચાઈ હતી. તેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જ 950 કારનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે, એટલે કે શહેરમાં દરરોજ સરેરાશ 2થી વધુ લક્ઝુરિયસ કારના શો-રૂમમાંથી સોદા થઈ રહ્યા છે. એટલું જ નહીં, રૂ. 1 કરોડથી 2 કરોડની રેન્જની સુપર-લક્ઝુરિયસ કારની માંગમાં પણ વધારો થયો છે. ગત વર્ષે દર મહિને સરેરાશ 10 કાર વેચાતી હતી, જે આંકડો હવે વધીને પ્રતિ માસ 13 કાર પર પહોંચ્યો છે.
અમદાવાદની ત્રણેય આર.ટી.ઓ. કચેરીઓમાં રૂ. 20 લાખથી 4 કરોડની કિંમતની કારનું રજિસ્ટ્રેશન વર્ષ-2025માં 4,774 હતું, જે વર્ષ-2026માં વધીને 6632 થઈ ગયું છે. આ ટ્રેન્ડ માત્ર અમદાવાદ પૂરતો જ નથી, પરંતુ પાટનગર ગાંધીનગરમાં પણ આ જ શ્રેણીની કારનું રજિસ્ટ્રેશન 457થી વધીને 604 પર પહોંચ્યું છે. બીજી તરફ, રૂ. 20 લાખ સુધીની બજેટ કારની માંગ પણ અકબંધ રહી છે. સુભાષબ્રિજ આર.ટી.ઓ.માં ચાલુ વર્ષે 32,000 કાર અને વસ્ત્રાલ આર.ટી.ઓ.માં ગત વર્ષના 13,983ની સામે ચાલુ વર્ષે 17,528 બજેટ કારનું રજિસ્ટ્રેશન નોંધાયું છે.
વાહન ડીલરો અને આર.ટી.ઓ. અધિકારીઓના જણાવ્યા મુજબ, લક્ઝુરિયસ કાર માર્કેટમાં આવેલા આ ફેરફાર પાછળ ગ્રાહકોની બદલાતી જીવનશૈલી અને આર્થિક સદ્ધરતા મુખ્ય કારણ છે. અગાઉ બી.એમ.ડબલ્યુ., મર્સિડીઝ, લેન્ડરોવર, લેમ્બોર્ગિની, મસરાટી, બેન્ટલી, રોલ્સ રોયસ અને ફેરારી જેવી ઈમ્પોર્ટેડ કાર માત્ર મોટા ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ કે ખેલાડીઓ પૂરતી મર્યાદિત હતી. હવે ઊંચા પગારે કામ કરતા કોર્પોરેટ પ્રોફેશનલ્સ, બેન્કર્સ, ડોક્ટર્સ, વકીલો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) પણ સ્ટેટસ સિમ્બોલ અને આરામદાયક મુસાફરી માટે આવી કાર ખરીદી રહ્યા છે. ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા 50 લાખથી ઓછી કિંમતની કારમાં દર છ મહિને અને 1 કરોડથી વધુની કારમાં દર વર્ષે નવી ડિઝાઈન અને આધુનિક ફીચર્સ લોન્ચ કરવામાં આવે છે, જે ગ્રાહકોને આકર્ષે છે.વાહન બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વર્ષના અંતે ઓટોમોબાઈલ સેક્ટરમાં 12થી 15 ટકાનો વિકાસ દર જળવાઈ રહ્યો છે. આગામી સમયમાં થનારા આંતરરાષ્ટ્રીય કરારો અને કોમનવેલ્થ ગેમ્સ જેવા મોટા આયોજનોને પગલે રાજ્યમાં રોકાણ અને આર્થિક ગતિવિધિઓ વધશે, જેના કારણે અમદાવાદના લક્ઝુરિયસ કાર બજારમાં હજુ વધુ તેજી આવવાની પૂરી શક્યતા છે.