અમદાવાદથી વિયેતનામની સીધી ફ્લાઇટ 2 ડિસેમ્બરથી શરૂ, ₹30,000માં ટુ-વે ટિકિટ

વિદેશ પ્રવાસનું આયોજન કરતી વખતે સૌથી મોટી મુશ્કેલી ફ્લાઇટની કનેક્ટિવિટી અને લાંબી મુસાફરીની હોય છે. ખાસ કરીને વિયેતનામ જેવા લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર જવા માટે અત્યાર સુધી ગુજરાતના પ્રવાસીઓને અન્ય શહેરોમાંથી ફ્લાઇટ લેવી પડતી હતી. પરંતુ હવે આ મુશ્કેલી દૂર થવા જઈ રહી છે. અમદાવાદથી વિયેતનામ માટે સીધી ફ્લાઇટ શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી ગુજરાતના પ્રવાસીઓ માટે વિદેશ પ્રવાસ વધુ સરળ બનશે.
વિયેતનામની સન ફૂ ક્વોક એરવેઝ (Sun PhuQuoc Airways – SPA) દ્વારા 2 ડિસેમ્બર, 2026થી અમદાવાદ અને વિયેતનામના પ્રખ્યાત ટુરિસ્ટ ડેસ્ટિનેશન ફૂ ક્વોક (પર્લ આઇલેન્ડ) વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. ભારતમાં આ એરલાઇનનો આ પ્રથમ રૂટ હશે. શરૂઆતમાં અઠવાડિયામાં 5 દિવસ આ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે. જેના કારણે ગુજરાતના પ્રવાસીઓને કનેક્ટિંગ ફ્લાઇટ કે અન્ય શહેરોમાં સ્ટોપઓવરની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
આ રૂટ પર એરલાઇન દ્વારા ફુલ-સર્વિસ સુવિધા આપવામાં આવશે. મુસાફરો માટે એરબસ A321neo વિમાનનો ઉપયોગ કરવામાં આવશે. આ ફ્લાઇટનું ટુ-વે ભાડું 30,000 રૂપિયાથી શરૂ થશે. આ ભાડામાં મુસાફરોને ભોજન, 23 કિલો ચેક-ઇન બેગેજ અને 7 કિલો કેબિન બેગેજની સુવિધા પણ મળશે. ફૂ ક્વોકથી અમદાવાદ માટેની ફ્લાઇટ દર સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવારે ઉપલબ્ધ રહેશે. શરૂઆતમાં અઠવાડિયામાં 5 દિવસ ચાલનારી આ સેવા ફેબ્રુઆરી 2027ની શરૂઆતથી અઠવાડિયાના સાતેય દિવસ શરૂ કરી દેવામાં આવશે. એટલે કે પ્રવાસીઓ પોતાની અનુકૂળતા મુજબ મુસાફરીનું આયોજન કરી શકશે.