દિલ્હીમાં પ્રદૂષણનો ઝેરી વિસ્ફોટ, AQI 400ને પાર

દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીની શરૂઆત થતાં જ હવાની ગુણવત્તા અત્યંત ખરાબ થઈ ગઈ છે અને પ્રદૂષણનું સ્તર અતિ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા મુજબ આજે સવારે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 385 નોંધાયો હતો. પવનની ગતિ ઘટવાના કારણે દિલ્હીવાસીઓ માટે હવા શ્વાસ લેવા માટે ઝેરી બની ગઈ છે.
દિલ્હીના કુલ 59 મોનિટરિંગ સેન્ટરોમાંથી 28 સેન્ટરો પર AQI 400થી વધુ નોંધાયો છે. શહેરના રોહિણી વિસ્તારમાં સૌથી વધુ 472 AQI નોંધાતા સ્થિતિ ભયાનક બની છે. આ ઉપરાંત IIT દિલ્હીમાં 467, પંજાબી બાગમાં 462 અને જહાંગીરપુરીમાં 460 AQI નોંધાયો છે, જ્યારે બાકીના 30 સેન્ટરોમાં હવા ‘ખરાબ’ કેટેગરીમાં રહી છે. પ્રતિકૂળ હવામાન અને સ્થાનિક પરિબળોના કારણે દિલ્હીના કોઈ પણ વિસ્તારમાં શુદ્ધ હવા બચી નથી. IIT મદ્રાસના અહેવાલ મુજબ આજ સાંજ સુધીમાં પવનની ઝડપ વધુ ઘટવાની શક્યતા છે.
ઘટતી પવનની ગતિ અને આવનારા દિવાળીના તહેવારોને કારણે પ્રદૂષણનું સ્તર વધુ ઘાતક અને સ્મોગનું પ્રમાણ વધુ સઘન બનવાની આશંકા છે. આ ગંભીર સ્થિતિ નાગરિકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો ઊભો કરે છે, જેનાથી આગામી દિવસોમાં ઇમરજન્સી હેલ્થ ઍડ્વાઇઝરી અને કડક પ્રદૂષણ નિયંત્રણ પગલાં લેવા પડે તેવી શક્યતા છે.