રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ

રાજકોટની સરાઝા હોટલમાં હાઈપ્રોફાઈલ મહેફિલ પર પોલીસના દરોડા બાદ ગુજરાતમાં દારૂબંધીને લઈને રાજકીય અને સામાજિક ઘમાસાણ મચી ગયું છે. ક્રેડાઈ RBAના વાઈસ પ્રેસિડેન્ટ ધ્રુવીલ પટેલે વીડિયો વાયરલ કરી પ્રોહિબિશન એક્ટ નાબૂદ કરવાની માંગ ઉઠાવી છે. આ ઘટનાથી ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોમાં હડકંપ મચ્યો છે.
રાજકોટના નામાંકિત ઉદ્યોગપતિના પુત્રની પાર્ટીમાં પોલીસે રેડ પાડી અનેક બિલ્ડરો, તબીબો અને ઉદ્યોગપતિઓને પકડી પાડ્યા બાદ આ વિવાદ વકર્યો છે. આ મામલે ક્રેડાઈના હોદ્દેદાર ધ્રુવીલ પટેલે ખુલ્લેઆમ દારૂબંધી હટાવવાની હિમાયત કરી છે, જેને લઈને રાજ્યભરમાં ચર્ચા શરૂ થઈ છે.
રાજકોટના ખ્યાતનામ ડેકોરા ગ્રુપના સુપુત્રની પાર્ટીમાં પોલીસે દરોડા પાડી અનેક બિલ્ડરો, તબીબો અને ઉદ્યોગપતિઓને પકડી પાડ્યા બાદ આ મામલો પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. આ ઘટના બાદ ક્રેડાઈ RBAના વાઈસ પ્રેસિડન્ટ ધ્રુવીલ પટેલે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને આક્રમક વલણ અપનાવ્યું હતું અને ગુજરાતમાંથી દારૂબંધી હટાવીને પ્રોહિબિશન એક્ટની કલમ નાબૂદ કરવાની મુહિમ રાજકોટથી જ શરૂ કરવાની માંગ કરી હતી. આ રેડમાં નામાંકિત વ્યક્તિઓ ઝડપાતા અચાનક અનેક પ્રભાવશાળી લોકોના પેટમાં તેલ રેડાયું હતું. બીજી તરફ, આ વિવાદમાં સામાજિક આગેવાનો પણ કૂદી પડ્યા છે. ઉમિયાધામ સીદસરના મહિલા પાંખના પૂર્વ પ્રમુખ જ્યોતિ ટીલવા અને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અતુલ પંડિત દારૂડિયાઓ તથા આરોપીઓના સમર્થનમાં સોશિયલ મીડિયા પર મેદાને આવ્યા હતા. જ્યોતિ ટીલવાએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે મીડિયા જાણી જોઈને માત્ર પાટીદારો પાછળ જ પડી રહ્યું છે, જ્યારે વાસ્તવમાં આ દૂષણ માત્ર પાટીદાર સમાજમાં નહીં પરંતુ દરેક સમાજમાં પ્રવર્તે છે. અગાઉના સત્તાધીશો અને આગેવાનોના આ પ્રકારના સમર્થનને કારણે આ મામલે રાજકીય અને સામાજિક સ્તરે તર્ક-વિતર્કોનો દોર શરૂ થઈ ગયો છે.
આ હાઈપ્રોફાઈલ કાંડે ગુજરાતમાં પ્રવર્તતી દારૂબંધીના કાયદાની કડક અમલીકરણ સામે ગંભીર સવાલો ખડા કર્યા છે. આગામી દિવસોમાં આ મામલે રાજકીય અને સામાજિક મોરચે વિવાદ વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી અને રાજકીય તેમજ સામાજિક મોરચે નવા સમીકરણો સર્જાવાની પૂરી સંભાવના છે.