PM મોદી પ્રથમવાર કરશે ખાટલા સભા:ભીલડીમાં ગ્રામીણ પરંપરા અનુસાર બેઠક વ્યવસ્થા

PM મોદી દેશમાં પ્રથમવાર ખાટલા સભા કરશે. બનાસકાંઠાના ભીલડીમાં ગ્રામીણ પરંપરા અનુસાર ખાટલાની બેઠક વ્યવસ્થા કરાઈ છે. સભામાં આવનાર ખેડૂતો માટે ખુરશીની જગ્યાએ ખાટલા ગોઠવાયા છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા ભીલડી ખાતે આવતીકાલે 30 ઓક્ટોબરે રાષ્ટ્રીય કક્ષાના ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’નું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો દેશભરના ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે. ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને 1000 કરોડથી વધુની સહાય અર્પણ કરશે અને સાથે જ બનાસ ડેરીના અત્યાધુનિક ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર-BBBRCનું લોકાર્પણ કરશે.
ભીલડી ખાતે આગામી 30 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસ ડેરીના પાંચ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં ભીલડી ખાતે 127 એકર જમીનમાં ₹325 કરોડના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર-BBBRCનું લોકાર્પણ કરવામાં આવશે. આ કેન્દ્ર દ્વારા પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા અને ઉત્તમ નસ્લના પશુધનના સંવર્ધનને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદી દ્વારા લોકાર્પણ પહેલા ભીલડીનું આ BBBRC એન્ટર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે.
આ ઉપરાંત બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને UHT-ASRS પ્રકલ્પનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. થરાદ અને રાધનપુર ખાતે નવા બે કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો દેશભરના ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે.આ અંતર્ગત દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 18,680 કરોડથી વધુની આર્થિક સહાય મળશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના પ્રથમથી 23મા હપ્તા સુધીમાં દેશના 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂ. 4.47 લાખ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ગુજરાતમાં પણ અત્યાર સુધી 69.26 લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને રૂ.24,137 કરોડથી વધુની રકમ આપવામાં આવી છે.