ધનતેરસ-દિવાળી પહેલા સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાર દિવસમાં ચાંદી ₹16,000 સસ્તી, સોનું પણ ધડામ

દિવાળી-ધનતેરસ પહેલા સોના-ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. પાછલા સપ્તાહે માત્ર ચાર દિવસમાં ચાંદી 16 હજાર રૂપિયા સસ્તી થઈ ગઈ, તો વાયદા કારોબારમાં તે હાઈથી હવે 2.24 લાખ રૂપિયાની આસપાસ ઓછી કિંમતે મળી રહી છે.

તહેવારોની સિઝનમાં સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCXથી લઈને ઘરેલું બજાર સુધીમાં કિંમતી ધાતુઓની કિંમતમાં મોટો ઘટાડો આવ્યો છે. પાછલા સપ્તાહે માત્ર ચાર દિવસના કારોબારમાં ચાંદીનો ફુગ્ગો ફૂટી ગયો અને તે ઘરેલું બજારમાં એક ઝટકામાં 16000 રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ છે. તો એમસીએક્સ પર હવે ચાંદી પોતાના હાઈ લેવલથી આશરે 2.24 લાખ સસ્તી મળી રહી છે. બીજીતરફ સોનાનો ભાવ પણ ધડામ થયો છે.

સૌથી પહેલા વાત કરીએ દિલ્હી સહિત દેશભરની બજારોમાં ચાંદીની કિંમતમાં થયેલા ફેરફારો વિશે, તો દિવાળી, ધનતેરસ પહેલા જ ચાંદી તૂટી ગઈ છે અને તેનો ભાવ હવે 2 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામથી નીચે આવી ગયો છે. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ IBJA.Com પ્રમાણે ઘરેલું બજારમાં 16 ઓક્ટોબરે ચાંદીની કિંમત 2,10,918 રૂપિયા પર બંધ થઈ છે અને તે શુક્રવારે 1,94,415 રૂપિયા પર આવી ગઈ એટલે કે ચાંદી 16503 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ક્રેશ થઈ ગઈ છે.

ન માત્ર ઘરેલું બજારમાં, પરંતુ ચાંદીની કિંમત વાયદા કારોબારમાં પણ ક્રેશ થઈ ગઈ છે. 4 ડિસેમ્બરની એક્સપાયરીવાળી જે 1 કિલો ચાંદી 16 ઓક્ટોબરે એમસીએક્સ પર 211187 રૂપિયામાં મળી રહી હતી, તે શુક્રવારે ક્રેશ થઈ 196100 રૂપિયા રહી ગઈ છે. આ પ્રમાણે ચાંદી ચાર દિવસમાં વાયદા કારોબારમાં 15087 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે.

ચાંદીની કિંમતમાં આ સપ્તાહે આવેલા મોટા ઘટાડાને કારણે હવે આ કિંમતી ધાતુ પોતાના લાઇફ ટાઇમ હાઈ લેવલ 4,20,048 રૂપિયાથી અડધા કરતા ઓછી કિંમતે મળી રહી છે. વર્તમાન ભાવની તુલના કરીએ તો 1 કિલો ચાંદી હવે 223948 રૂપિયા સસ્તી થઈ ગઈ છે.

Silver Price Crash બાદ હવે વાત સોનાના ભાવમાં થયેલા ઘટાડાની કરીએ તો કિંમતી પીળી ધાતુ આ સપ્તાહે તૂટી છે. એમસીએક્સ પર સોનાનો ભાવ જુઓ તો 4 ડિસેમ્બરની એક્સપાયરીવાળું 10 ગ્રામ સોનું 147918 રૂપિયાથી 5768 રૂપિયા સસ્તુ થઈ 1,42,150 રહી ગયું છે. તો ઘરેલું માર્કેટમાં IBJA પ્રમાણે તેની કિંમતમાં 4796 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે અને તેનો ભાવ 146426 રૂપિયા ઘટી 141630 રૂપિયા રહી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *