અમરેલીના ધારીમાં SBI બેંકમાં કુહાડી સાથે ઘૂસી તોડફોડ:લોન ભરી સોનું છોડાવવા વારસદારોની સહી માગતાં યુવકે પિત્તો ગુમાવ્યો

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુર ગામની SBI બેંકમાં એક યુવકે કુહાડી વડે ભયાનક તોડફોડ મચાવી હતી. ગોલ્ડ લોનના ઘરેણાં છોડાવવા બાબતે થયેલા વિવાદમાં આરોપીએ બેંકમાં ₹2.30 લાખનું ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ હુમલામાં બેંક મેનેજર કુણાલ રાઠોડને સામાન્ય ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગોલ્ડ લોનના ઘરેણાં છોડાવવા મામલે માથાકૂટ ગોવિંદપુર ગામના શશીકાંત સતાસીયા નામના ગ્રાહકે SBI બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી. તેમના અવસાન બાદ પુત્ર સિદ્ધાર્થ સતાસીયાએ લોનની રકમ ભરીને સોનાના ઘરેણાં પરત મેળવવા સંપર્ક કર્યો હતો. બેંક મેનેજરે કાયદાકીય નિયમ મુજબ તમામ વારસદારોની સહીઓ જરૂરી હોવાનું જણાવ્યું હતું. આરોપીની બહેન ઓસ્ટ્રેલિયા રહેતી હોવા છતાં તેણે સહીઓ વિના ઘરેણાં આપવા બાબતે મેનેજર સાથે વિવાદ કર્યો હતો.

ઉગ્ર માથાકૂટ બાદ આરોપી ઘરેથી કુહાડી લઈને બેંક પરિસરમાં ધસી આવ્યો હતો. તેણે ફરજ પરના મેનેજરને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ઉશ્કેરાયેલા યુવકે કુહાડી વડે બેંકના ચેમ્બરના દરવાજા, કાચ, વોશરૂમના પેસેજનો કાચ અને મુખ્ય દરવાજો તોડી નાખ્યા હતા. આ સિવાય તેણે બેંકના બે કમ્પ્યુટર સિસ્ટમને પણ કુહાડી મારીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.આરોપીએ બેંક મેનેજર પર પણ કુહાડી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બચાવ કરવા જતાં અને સાઈડના કાચમાંથી બહાર નીકળતી વખતે મેનેજરના જમણા હાથમાં કાચ વાગતાં ઈજાઓ પહોંચી હતી. આ તોડફોડના કારણે બેંક શાખાને અંદાજે ₹2.30 લાખ જેટલું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઘટનાથી બેંક કર્મચારીઓમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.

બ્રાન્ચ મેનેજર કુણાલ રાઠોડની ફરિયાદના આધારે ધારી પોલીસે આરોપી સિદ્ધાર્થ સતાસીયા વિરુદ્ધ BNS અને GP એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. બેંકમાં ઘૂસીને કરાયેલા આ હુમલાએ બેંક કર્મચારીઓની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *