‘પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે’, ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સમાં ચાલી રહેલા રમખાણો માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે મેક્રોનની ઇમિગ્રેશન નીતિઓને જવાબદાર ઠેરવી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે મેક્રોનને ચેતવણી આપી હતી અને જો ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ સાંભળ્યું હોત તો આવી પરિસ્થિતિ ટાળી શકાઈ હોત. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે ઇમિગ્રન્ટ્સે પેરિસની ડેમોગ્રાફી બદલી નાખી છે. તેમણે કહ્યું, “પેરિસ ટૂંક સમયમાં મુસ્લિમ શહેર બનશે.”

વોશિંગ્ટનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, “ફ્રાન્સમાં જે થઈ રહ્યું છે તે ઇમિગ્રેશન સાથે સંબંધિત છે, શાળાઓ કે અન્ય કોઈ બાબત સાથે નહીં. મેં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને પોતાની સરહદો બંધ કરવા કહ્યું છે.” મેક્રોન સાથેની તેમની વાતચીતનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, “મેં તેમને કહ્યું, ‘તમે ફ્રાન્સમાં મોટી ભૂલ કરી રહ્યા છો. તમે દુનિયાભરના લોકોને અંદર આવવા દઈ રહ્યા છો. આખી દુનિયા આવી રહી છે.”

ટ્રમ્પે આગળ કહ્યું હતું કે, “આખી દુનિયા અંદર આવી રહી હતી, અને જેમ તમે જાણો છો પેરિસ ખૂબ જ ટૂંક સમયમાં મુસ્લિમ શહેર બનવા જઈ રહ્યું છે.” ટ્રમ્પની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે રમખાણો, લૂંટફાટ અને હિંસક વિરોધ પ્રદર્શનોને પગલે રાજધાની પેરિસ સહિત અનેક ફ્રેન્ચ શહેરોમાં સ્થાનિક કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે હિંસામાં સામેલ લોકોને સજા કરવામાં આવશે. જોકે, તેમણે હિંસા માટે ઇમિગ્રેશન અથવા કોઈ એક જૂથને દોષિત ઠેરવ્યું નથી.

ટ્રમ્પે એવી પણ ચેતવણી આપી હતી કે જો યુરોપ તેની સરહદો બંધ નહીં કરે અને ગુનેગારોને બહાર નહીં કાઢે તો યુરોપનો અંત આવશે. ટ્રમ્પે 2024ના ચૂંટણી પ્રચારમાં ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવાને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો જેમાં જાતિવાદી ભય ઉભો કરતા દાવાઓનો આશરો લીધો હતો.

ફ્રાન્સમાં આ વિરોધ પ્રદર્શનો આવતા વર્ષે દેશની રાષ્ટ્રપતિની ચૂંટણીઓ પહેલા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હિંસક વિરોધ પ્રદર્શનો ઇમેન્યુઅલ મેક્રોનના પક્ષ માટે મુશ્કેલીઓ વધારી શકે છે. ફ્રેન્ચ જમણેરી નેતા મરીન લે પેનની નેશનલ પાર્ટી તાજેતરની ચૂંટણીઓમાં એક મોટી શક્તિ તરીકે ઉભરી આવી છે, જે ફ્રેન્ચ ઉદારવાદી પક્ષોને ચિંતામાં મૂકી રહી છે. લે પેન ફ્રાન્સની ઇમિગ્રેશન નીતિઓની પણ ટીકા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *