MPના ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં શીતળા માતા મંદિર રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં 13 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 33 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે, જેમાં બે પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, ટ્રકની ઝડપ એટલી વધારે હતી કે, તે મંદિરની દીવાલ સાથે ધડાકાભેર અથડાયો હતો. જોરદાર ટક્કરને કારણે મંદિરની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. દીવાલના કાટમાળ નીચે 40થી 50 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ દુર્ઘટના અંગે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, આ ઘટના રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ બની હતી. મેં કેટલાક લોકોને ઘટનાસ્થળે જ જીવ ગુમાવતા જોયા હતા. ટ્રકમાં તેની ક્ષમતા કરતાં વધારે સામાન ભરેલો હતો. ટ્રક અચાનક પૂરપાટ ઝડપે આવ્યો અને કેટલીક દુકાનો તથા લોકોને કચડી નાખ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *