અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના રોડ અને ગટર વિભાગની ઘોર બેદરકારીના કારણે એક અત્યંત હચમચાવી દે તેવી કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના પીરાણા પીપળજ રોડ પર આવેલી એક ખુલ્લી ગટરમાં 9 વર્ષની એક માસૂમ બાળકી અચાનક ખાબકી ગઈ છે.

આ સમગ્ર ઘટના શાસ્ત્રી બ્રિજ પાસે ગણેશનગરના છાપરા તરફ જતા રસ્તા પર બની છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ, બાળકી પોતાના પરિવારજનો સાથે બહારથી ઘરે પરત ફરી રહી હતી. આ સમયે તેઓ એક રિક્ષામાં આવ્યા હતા અને શાસ્ત્રી બ્રિજ પાસે રિક્ષામાંથી ઊતર્યા હતા.

રિક્ષામાંથી ઊતર્યા પછી, બાળકીના પિતાએ અન્ય બે બાળકોના હાથ પકડ્યા હતા. જ્યારે માતાએ આ 9 વર્ષની દીકરી મનીષાનો હાથ પકડ્યો હતો. માતા જ્યારે રિક્ષાચાલકને ભાડું ચૂકવવા માટે ઊભી રહી, ત્યારે તેણે પોતાના પર્સમાંથી પૈસા કાઢવા માટે ક્ષણવાર માટે મનીષાનો હાથ છોડ્યો હતો.

બસ આ જ સમયે એક મોટી કરુણાંતિકા સર્જાઈ ગઈ. મનીષા પ્રજ્ઞાચક્ષુ હતી, એટલે કે તેને આંખે ઓછું દેખાતું હતું. માતાનો હાથ છૂટતાં જ બાળકીએ અજાણતામાં પાછળ એક-બે ડગલાં ભર્યા, અને તે સીધી જ રસ્તા પર રહેલી 20 ફૂટ ઊંડી ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં પડી ગઈ.

ખુલ્લી ગટરમાં બાળકી ખાબકતાં જ તેની માતાએ હૈયાફાટ રુદન સાથે બૂમાબૂમ કરી મૂકી હતી. આસપાસના લોકો તરત જ દોડી આવ્યા અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

બનાવની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગની ત્રણ ટીમો દ્વારા બાળકીને સહીસલામત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે આ ખુલ્લી ડ્રેનેજ લાઈન આશરે 20 ફૂટ જેટલી ઊંડી છે અને તે સીધી શાસ્ત્રી બ્રિજ પાસે નદીમાં જઈને નીકળે છે. ફાયર વિભાગની ટીમે લગભગ 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી આ ગટર લાઈનમાં સતત ચેકિંગ શરૂ કર્યું છે.

છેલ્લા 3 કલાકથી ફાયર વિભાગના જવાનો અથાક મહેનત કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી બાળકીની કોઈ જ ભાળ મળી શકી નથી. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં બચાવ કર્મીઓને અનેક અડચણોનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

એક તરફ નારોલ-સરખેજ કોરિડોરની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટનો મોટો અભાવ છે. લાઈટો ન હોવાના કારણે અંધારામાં શોધખોળ કરવી ફાયર વિભાગ માટે ખૂબ જ મુશ્કેલ બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *