અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું ટૂંકી બિમારી બાદ નિધન

અમરેલી જિલ્લાના રાજકારણ અને કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરનું ટૂંકી બીમારી બાદ અમરેલી ખાતે દુઃખદ નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી સમગ્ર અમરેલી જિલ્લા સહિત ગુજરાતના રાજકીય આલમમાં શોકની કાળી ડિબંગ છવાઈ ગઈ છે. આ અંગેની માહિતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત દ્વારા આપવામાં આવી છે.

તેમના નિધનના સમાચાર મળતા જ રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ, કાર્યકરો અને શુભચિંતકો શોક વ્યક્ત કરી રહ્યા છે. તેમના અંતિમ દર્શન માટે લોકો એકઠા થઈ રહ્યા છે અને તેમની સ્મશાનયાત્રા સાંજે 5:00 વાગે અમરેલી ખાતેથી નીકળશે.

વિરજી ઠુમ્મરનો રાજકીય કરિયર ખુબ મોટી છે. તેઓ વર્ષ 2004 થી 2009 દરમિયાન અમરેલી લોકસભા મતવિસ્તારના સાંસદ રહી ચૂક્યા હતા. આ સિવાય, તેમણે વર્ષ 2017 થી 2022 દરમિયાન લાઠી-બાબરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ પ્રજાના પ્રશ્નો અને વિકાસકાર્યો માટે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી હતી. વિરજી ઠુમ્મર માત્ર સક્રિય રાજકારણમાં જ નહીં, પરંતુ સહકારી ક્ષેત્રે પણ તેમનું મહત્વપૂર્ણ પ્રદાન રહ્યું છે. વિરજી ઠુમ્મરે અનેક સહકારી સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ પર રહીને ખેડૂતો અને સ્થાનિક લોકોના હિતમાં પ્રશંસનીય કાર્ય કર્યું હતું.

કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મર કોંગ્રેસના અત્યંત આક્રમક, નીડર અને જનતાના અવાજને બુલંદ કરનારા નેતા તરીકે ઓળખાતા હતા. પ્રજાના સવાલો હોય કે પક્ષની રજૂઆત, તેઓ હંમેશાં પોતાના નિડર વલણ અને મજબૂત વાણી માટે જાણીતા રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *