ઈઝરાયલી PM નેતન્યાહૂએ કેપ્ટન સ્મિતને ફોન કરી પૂછ્યું- ‘ફ્લાઇટમાં શું થયું હતું?’; ભારતીય હીરોએ જણાવી આપવીતી

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ફ્લાયદુબઈ એરલાઇનના ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર વાત કરી. તેમણે કહ્યું- તમે ભારત અને ઇઝરાયલના લોકોના સાચા હીરો છો. તમે આખી દુનિયાના હીરો છો. નેતન્યાહૂએ કેપ્ટન સ્મિતને ઇઝરાયલ આવવાનું આમંત્રણ પણ આપ્યું. તેમણે કહ્યું- હું તમને અને મારા મિત્ર પીએમ મોદીને આગામી સ્વતંત્રતા દિવસ પર ઉજવણીની મશાલ પ્રગટાવવાનું આમંત્રણ આપવા માંગુ છું.
નેતન્યાહૂએ કેપ્ટન સ્મિતને પૂછ્યું કે ફ્લાઇટમાં આખરે થયું શું હતું. સ્મિતે જણાવ્યું કે હુમલા પહેલાં કો-પાઇલટે પ્રાર્થના કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પ્રાર્થનાની થોડી મિનિટો પછી તેણે અચાનક તેમના પર હુમલો કરી દીધો. ઘટના 30 સપ્ટેમ્બરે બની હતી. દુબઈથી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટમાં ઓમાની કો-પાયલોટે કેપ્ટન સ્મિત પર કુહાડીથી હુમલો કર્યો હતો. આ પછી વિમાન લગભગ 2 મિનિટમાં 17 હજાર ફૂટ નીચે આવી ગયું.
ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટન સ્મિતે હુમલાખોરનો સામનો કર્યો અને કોકપિટનો દરવાજો ખોલી દીધો. આ પછી ફ્લાઇટ ક્રૂ અને મુસાફરોએ કોકપિટમાં પહોંચીને આરોપીને કાબૂમાં કર્યો અને વિમાન પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું. વિમાનની સાઉદી અરેબિયાના તબૂકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી. આમાં સવાર તમામ 174 લોકો સુરક્ષિત બહાર નીકળી ગયા.