મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું

રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટીમાંથી વધુ એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા હિંમત નામના વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી નીચે ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ કુવાડવા પોલીસની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે કાનૂની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ કરૂણ ઘટનાના વિતેલા માત્ર આઠ દિવસ પહેલા જ આ જ યુનિવર્સિટીની એક યુવતીએ પણ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી, જેથી ટૂંક જ સમયમાં બનેલી બીજી ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે.
તમને જણાવી દઈએ કે, 19 સપ્ટેમ્બરે 10મા માળેથી નીચે ઝંપલાવીને એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો. મૃતક વિદ્યાર્થિનીનું નામ શોભરણિકા હતું અને તે મૂળ આંધ્રપ્રદેશની રહેવાસી હતી. શોભરણિકા છેલ્લા એક વર્ષથી મારવાડી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં CSE AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) નો અભ્યાસ કરી રહી હતી.
વિદ્યાર્થિનીએ આ અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગેનું કારણ હજુ સુધી અકબંધ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સત્તાધીશો સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રારે જરૂરી માહિતી પૂરી પાડી હતી. નોંધનીય છે કે અગાઉ પણ મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી ઝંપલાવીને વિદ્યાર્થીઓના આપઘાત કરવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.