100 ટકા ટેરિફવાળા બિલ પર નારાજ થયું ભારત, અમેરિકાને આપી દીધી ચેતવણી!

રશિયાના નામ પર ભારત પર 100 ટકા ટેરિફ લગાવવાના પ્રસ્તાવને અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં મંજૂરી મળી ગયા બાદ સરકારે હવે આ બિલ પર જવાબ આપ્યો છે. ભારતે સ્પષ્ટ કરી દીધુ છે કે પોતાની વસ્તીની સુરક્ષાને સૌથી ઉપર  રાખવામાં આવશે. આ સાથે જ ચેતવણી ઉચ્ચારી છે કે તેની અસર દ્વિપક્ષીય સંબંધો પર પડી શકે છે. અમેરિકાની પ્રતિનિધિ સભામાં આ બિલને મંજૂરી અપાઈ ગઈ છે જે ભારત સહિત અનેક દેશો પર 100 ટકા ટેરિફ લગાવવાની તાકાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપે છે. 

વિદેશ મંત્રાલયે લિંડસે ઓ ગ્રાહમ સેંક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026 અંગે કહ્યું કે તેના સંબંધિત ઘટનાક્રમો પર નજર રાખવામાં આવી રહી છે. અત્રે જણાવવાનું કે અમેરિકા પહેલા પણ ભારત પર 50 ટકા ટેરિફ લગાવી ચૂક્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, જેમ કે પહેલા પણ અનેકવાર કહેવાયું છે કે ભારત  પોતાના 1.4 અબજ લોકો માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. તે અલગ અલગ સ્ત્રોતોથી ઉર્જા પ્રાપ્ત કરીને તથા બદલાતા બજારની સ્થિતિના આધારે આવું કરવાનું ચાલું રાખશે. 

આગળ કહ્યું કે, હાલમાં અનેક અમેરિકી અધિકારીઓ સાથે આ મુદ્દે ઉચ્ચ સ્તરે ચર્ચા થઈ છે. ભારતે ખુબ સ્પષ્ટતાથી એ વાત રજૂ કરેલી છે કે તેની અસર ફક્ત આપણા આપસી સંબંધો પર જ નહીં પરંતુ વૈશ્વિક ઉર્જા બજાર ઉપર પણ પડી શકે છે. 

મંત્રાલયે કહ્યું કે, ભારતે સ્પષ્ટ કરી દીધુ છે કે તે પોતાના વેપારી અને આર્થિક હિતોને બચાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સરકાર ભારતના વેપારી અને ઓદ્યોગિક સમૂહોની સાથે નજીકથી કામ કરશે,  જેથી કરીને આ ઘટનાક્રમોથી પડનારી અસરને ઘટાડી શકાય. 

અમેરિકામાં પાસ થઈ ગયું બિલ
અત્રે નોંધનીય છે કે ભારત અને ચીન સહિત અનેક દેશો પર 100 ટકા ટેરિફ લગાવવાનું સમર્થન કરતા આ બિલે છેલ્લી બાધા પણ પાર કરી લીધી છે. જો કે હજુ તેના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાકી છે. બિલના પક્ષમાં 203 રિપબ્લિકન, 58 ડેમોક્રેટ અને એક અપક્ષ સાંસદે મતદાન કર્યું. જ્યારે રિપબ્લિકન પાર્ટીના 7 અને 152 ડેમોક્રેટ સાંસદોએ આ બિલનો વિરોધ કર્યો. 

બિલમાં રશિયાના નેતૃત્વ અને તેના ઉર્જા ક્ષેત્ર પર પ્રતિબંધ લગાવવાની સાથે સાથે રશિયાને ઓઈલની આપૂર્તિ પર લાગેલા પ્રતિબંધોથી બચવામાં મદદ કરનારા દેશો ઉપર પણ પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ છે.

ડેમોક્રેટ સેનેટર જીન શહીને કહ્યું કે, રશિયા શેડો ફ્લીટનો ઉપયોગ કરીને પોતાના ઓઈલ અને ગેસ વેચી રહ્યું છે. જેનો અર્થ એ થયો કે બજાર ભાવથી ઓછા ભાવે ખરીદી થઈ રહી છે અને તેની આપૂર્તિ મુખ્યત્વે ચીન અને ભારત જેવા દેશોને થઈ રહ્યું છે. ડેમોક્રેટ સેનેટર રિચર્ડ બ્લુમેન્થલે કહ્યું કે, ‘ચીન અને ભારત તમારે તમારું તેલ અને ગેસ બીજેથી ખરીદવા પડશે.’

શહીને કહ્યું કે, ચીન રશિયન ઓઈલ અને ગેસનો સૌથી મોટો ઉપયોગકર્તા છે અને આપણે ફક્ત પુતિન જ નહીં પરંતુ ચીન અને રશિયન ઓઈલ તથા ગેસ ખરીદનારા દરેક દેશને એ કડક સંદેશ આપવાની જરૂર છે કે તેની તેમણે કિંમત ચૂકવવી પડશે. 

જો કે આ પહેલા પણ ભારત તરફથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે તે રશિયા પાસેથી ઓઈલની  ખરીદી ચાલુ રાખશે. ગત વર્ષે પણ અમેરિકાએ ભારત પર રશિયા પાસેથી ઓઈલ ખરીદવાના મુદ્દે દંડ અને ટેરિફ લગાવ્યા હતા. અત્રે જણાવવાનું કે આ ઘટનાક્રમ એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ પર ચાલી રહેલી ચર્ચા છેલ્લા દોરમાં છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *