વડોદરામાં બુલેટ ટ્રેન અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી મોટી જાહેરાત, જાણો શું બોલ્યા 

  વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આયોજિત ‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ હજારો કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ સમારોહમાં ખાસ કરીને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના મહત્વના સેક્શન્સ દેશને સમર્પિત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. 

બુલેટ ટ્રેનનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે

રેલવે મંત્રીએ જણાવ્યું કે બુલેટ ટ્રેનનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. સુરતથી વાપી વચ્ચેનો સેક્શન આ વર્ષે ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ આ ટ્રેક પર 3 મહિના સુધી સુરક્ષા અને ગતિના ટ્રાયલ્સ યોજાશે ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે બુલેટ ટ્રેનનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવશે. અશ્વિની વૈષ્ણવે વડોદરાવાસીઓને ખાતરી આપી હતી કે જ્યારે બુલેટ ટ્રેન દોડશે ત્યારે વડોદરાથી મુંબઈનું અંતર માત્ર દોઢ કલાકમાં કાપી શકાશે. આ આધુનિકીકરણ ખાસ કરીને દેશની યુવા પેઢી માટે એક સીમાચિહ્ન સાબિત થશે.

પ્રધાનમંત્રી મોદીએ પ્રોજેક્ટમાં થયેલા ભૂતકાળના વિલંબને લઈને અગાઉની સરકારો સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, આજે જે યુવાનો અહીં ઉપસ્થિત છે, તેમાંથી ઘણાનો તો કદાચ જન્મ પણ નહીં થયો હોય જ્યારે વર્ષ 2004માં આ ફ્રેઇટ કોરિડોરનો વિચાર રજૂ થયો હતો અને 2006માં કંપની બની હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે 2014 સુધી માત્ર ફાઈલો એક ટેબલ પરથી બીજા ટેબલ પર ફરતી રહી. શરૂઆતના 8 વર્ષોમાં 1 કિલોમીટરનું પણ કામ પૂરું થઈ શક્યું નહી.  જો એ જ ગતિએ દેશ ચાલ્યો હોત તો ત્રણથી ચાર પેઢીઓ વીતી જાત તોય કામ પૂરું ન થાત. 2014માં તમે મને દિલ્હી મોકલ્યો અને આ ધરતીએ મને જે શીખવ્યું છે તેના બળે અમે તાત્કાલિક આ પ્રોજેક્ટને અભૂતપૂર્વ ગતિ આપી.

“આજનો દિવસ વિકાસ અને ભાગીદારીનો ઉત્સવ છે”  

વડોદરામાં આયોજિત ‘NaMo for Viksit Bharat’ કાર્યક્રમમાં ભાગ લેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો દિવસ વિકાસ અને ભાગીદારીનો ઉત્સવ છે. તેમણે કહ્યું કે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા લોકોના પ્રયાસોને કારણે ઘણી વસ્તુઓ વિકાસ તરફ એકસાથે આગળ વધી રહી છે. વડા પ્રધાને કહ્યું કે તેઓ આજે અહીં “વિકસિત ભારત” તરફની યાત્રાને વધુ વેગ આપવા માટે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *