ખેડૂતોને રાહત પેકેજથી સહાય અને સૌની યોજનાનું પાણી આપો: Rajesh Dangaria

Rajesh Dangaria AAP News: આજે આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજકોટ શહેર પ્રમુખ રાજેશ ડાંગરિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ મળીને ખેડૂતો અને પશુપાલકો માટે રાહત પેકેજ જાહેર કરવા તથા દુષ્કાળ જાહેર કરવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું. આ આવેદનપત્રમાં શહેર પ્રમુખ રાજેશ ડાંગરિયાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં આ વર્ષે ઓછા વરસાદના કારણે અનાવૃષ્ટિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, તેના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે અને ખેતી ઉત્પાદન પણ ઘટ્યું છે. જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ હાલ અત્યંત નાજુક બની છે. સાથે સાથે પશુઓ માટે ઘાસચારો અને પાણીની તીવ્ર કટોકટી સર્જાઈ છે.
આવી પરિસ્થિતિમાં ખેડૂતોને તથા પશુપાલકોને તાત્કાલિક સહાય ચૂકવીને રાહત આપવામાં આવે એ અત્યંત જરૂરી બની ગયું છે. આવેદનમાં આમ આદમી પાર્ટીએ વિનંતી કરી હતી કે રાજકોટ જિલ્લાના તમામ અસરગ્રસ્ત તાલુકાઓમાં અનાવૃષ્ટિ જાહેર કરવામાં આવે અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે યોગ્ય પેકેજ દ્વારા સહાય ચૂકવવામાં આવે, સૌની યોજનાનું પાણી પૂરું પાડવામાં આવે તેમ જ પશુપાલકોને પૂરતો ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવે. આશા છે કે આપ ખેડૂતો માટે યોગ્ય કાર્યવાહી કરશો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ કાર્યક્રમ હેઠળ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સત્યાગ્રહ પર બેઠા છે તેમને આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર સંગઠન તેમજ સંપૂર્ણ જિલ્લો સમર્થન જાહેર કરે છે.