પીએમ મોદીના વિઝનને સાકાર કરવામાં ગુજરાત ફર્સ્ટ! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, રાજ્યમાં ઉજવાશે ‘રિફૉર્મ ઉત્સવ’

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વહીવટી સુધારણા અંગે ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે અને તેમણે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની રચના પણ કરી છે. એ જ દિશામાં ભારત સરકારની પહેલથી ઉજવાનાર આ ‘રિફૉર્મ ઉત્સવ’ માત્ર ફરિયાદ નિવારણ પૂરતું સીમિત નહીં રહે, પણ નાગરિકના સૂચનને એક કાર્યક્ષમ સુધારામાં રૂપાંતરિત કરી, તેને અમલી બનાવવાનો વ્યવસ્થિત પ્રયાસ બનશે. અભિયાનનો અંતિમ ઉદ્દેશ્ય એવો છે કે નાગરિકનો અવાજ સૂચનથી આગળ વધીને અમલપાત્ર સુધારામાં પરિવર્તિત થાય અને તેનાં પરિણામો લોકો સુધી પહોંચે.
મુખ્યમંત્રીના સીધા નેતૃત્વ હેઠળ કાર્યરત સામાન્ય વહીવટ વિભાગે રિફૉર્મ ઉત્સવના અસરકારક આયોજન, સંચાલન, અમલીકરણ અને દેખરેખ માટે રાજ્ય કક્ષાની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં સભ્યો તરીકે તમામ વિભાગોના અધિક મુખ્ય સચિવ/અગ્ર સચિવ/સચિવ રહેશે. જરૂરિયાત મુજબ અન્ય અધિકારીઓનો પણ સમિતિમાં સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત; રિફૉર્મ ઉત્સવના સંકલન માટે રાજ્ય કક્ષાએ સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ (વહિવટી સુધારણા અને તાલીમ પ્રભાગ – વસુતાપ્ર)ને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ; દરેક વહીવટી વિભાગ અને જિલ્લામાં પણ નોડલ અધિકારીની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કે જેથી અભિયાનના દરેક તબક્કાની કામગીરી સુવ્યવસ્થિત રીતે આગળ વધે.
રિફૉર્મ ઉત્સવને માત્ર ગાંધીનગર કે રાજ્ય કક્ષાની પહેલ ન રાખતા તેને છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા જિલ્લા કક્ષાએ પણ સમિતિની રચના કરવામાં આવી છે. જિલ્લા કક્ષાની સમિતિના અધ્યક્ષ તરીકે કલેક્ટરશ્રી અને સહ-અધ્યક્ષ તરીકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રહેશે. નિવાસી અધિક કલેક્ટર સહિત ખેતીવાડી, આરોગ્ય, સમાજ સુરક્ષા, બેન્કિંગ, વીજ કંપની અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓને પણ તેમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આ વ્યવસ્થાથી સ્થાનિક સ્તરે મળતા સૂચનોનું સંકલન, સંબંધિત વિભાગો સાથે સંકલન અને નાગરિકોની ભાગીદારીને વધુ ગતિ મળશે. રિફૉર્મ ઉત્સવ પોર્ટલ પર મળેલા સૂચનો અને તેની અમલવારીની પ્રગતિને પણ સતત ટ્રેક કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પોર્ટલ પર સૂચનોની સંખ્યા, અમલીકરણ માટે સ્વીકારાયેલા સુધારા અને તેમની લાઇવ સ્થિતિ ઉપલબ્ધ રહેશે.
2 ઑક્ટોબરથી ‘જન મંથન’ : દરેક પંચાયતમાં નાગરિકોની સીધી ભાગીદારી
ગાંધી જયંતી એટલે કે 2 ઑક્ટોબરથી રિફૉર્મ ઉત્સવનો મુખ્ય તબક્કો શરૂ થશે. તેમાં દરેક પંચાયતમાં ‘જન મંથન સભા’ યોજાશે. આ સભામાં વરિષ્ઠ મહાનુભાવોના સંબોધન સાથે નાગરિકોને રિફૉર્મ ઉત્સવ અંગે જાગૃત કરવામાં આવશે. નાગરિકોને સ્થળ પર જ પોતાના સૂચનો રજૂ કરી શકાય તે માટે MY Bharat વોલન્ટિયર્સ અને Common Service Centre મારફતે હેલ્પ ડેસ્ક પણ કાર્યરત કરવામાં આવશે.
ઑક્ટોબર દરમિયાન વૉર્ડ સભા, જનસભા, રેલી, વૉકેથોન, સાયકલ અને બાઇક રેલી, શેરી નાટક, કૅમ્પસ આઉટરીચ, મહિલા સ્વસહાય જૂથો, FPOs, વેપારી મંડળો, સહકારી સંસ્થાઓ, હોસ્પિટલ, ઔદ્યોગિક એકમો અને હાઉસિંગ સોસાયટીઓ સહિત વિવિધ સ્તરે જનજાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. આશા, ANM અને આંગણવાડી કાર્યકરો દ્વારા ઘર-ઘર સંપર્ક કરીને પણ લોકો સુધી અભિયાનનો સંદેશ પહોંચાડાશે.
રિફૉર્મ ઉત્સવમાં પ્રથમ તબક્કો ‘જન મંથન’નો રહેશે, જેમાં 2થી 31 ઑક્ટોબર સુધી નાગરિકોના સૂચનો એકત્ર કરવામાં આવશે. ત્યાર બાદ 10 ઑક્ટોબરથી 30 નવેમ્બર સુધી ‘વિમર્શ’ તબક્કામાં વિભાગો સૂચનોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને અમલપાત્ર સુધારાઓ ઓળખશે અને તેને ‘ક્વિક વિન્સ’ તથા ‘મધ્યમ ગાળાના સુધારા’ તરીકે વર્ગીકૃત કરશે.
ત્રીજા તબક્કા ‘જન સમાધાન’માં 10 ઑક્ટોબરથી 20 ડિસેમ્બર સુધી ક્વિક વિન્સનો અમલ કરવામાં આવશે. મધ્યમ ગાળાના સુધારાઓ માટે અમલીકરણનો રોડમેપ તૈયાર કરીને પોર્ટલ પર મૂકવામાં આવશે અને તેના અમલની શરૂઆત પણ કરવામાં આવશે.
ફરિયાદ નહીં, વ્યવસ્થામાં સુધારાનું સૂચન બનશે રિફૉર્મ
રિફૉર્મ ઉત્સવની વિશેષતા એ છે કે દરેક રજૂઆતને આપમેળે ‘રિફૉર્મ’ નહિં ગણવામાં આવે. કોઈ સૂચન સામાન્ય પરિસ્થિતિમાં સૌને લાગુ પડે, મૂળ સમસ્યાના કારણને સંબોધે-સ્પષ્ટ કરે, ભવિષ્યની પ્રક્રિયામાં સુધારો લાવે, માનક નિયમ કે માનક સંચાલન પદ્ધતિ તરીકે અન્ય સ્થળોએ પણ લાગુ કરી શકાય અને રચનાત્મક ઉકેલ સૂચવે; આ પાંચ કસોટીઓના આધારે તેને રિફૉર્મ તરીકે ઓળખવામાં આવશે.
આમ, ગુજરાતમાં ‘રિફૉર્મ ઉત્સવ’ નાગરિક અને સરકાર વચ્ચેના સંવાદને નવી દિશા આપનાર અભિયાન બનશે. લોકોના અનુભવો અને સૂચનોને વહીવટી સુધારાના સાધનમાં પરિવર્તિત કરીને વધુ સરળ, પારદર્શક, જવાબદાર અને નાગરિકકેન્દ્રિત સુશાસન તરફ ગુજરાત વધુ એક મજબૂત પગલું ભરશે. ડિસેમ્બરના અંતમાં ‘સંકલ્પ સિદ્ધિ’ના માધ્યમથી સફળ સુધારાઓ અને શ્રેષ્ઠ કામગીરીને ઉજાગર કરી ભવિષ્ય માટેના સંકલ્પોને વધુ મજબૂત બનાવવામાં આવશે.