ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં નાસભાગ જેવી સ્થિતિ:13 શ્રદ્ધાળુની તબિયત લથડી

શ્રાવણના સોમવારે અને વર્ષમાં એકવાર નાગપંચમી પર ખુલતા નાગચંદ્રેશ્વર મંદિરના દર્શન માટે ઉજ્જૈનમાં ભારે ભીડ ઉમટી પડી. આ દરમિયાન હરસિદ્ધિ મંદિર સામે બેરિકેડિંગવાળા વિસ્તારમાં ભીડનું દબાણ વધવાથી ઘણા શ્રદ્ધાળુઓની તબિયત લથડી.
આ પછી લગભગ 13 લોકોને પરિવારજનો અને સુરક્ષાકર્મીઓ હોસ્પિટલ લઈ ગયા. હાલમાં તમામની ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાં દાખલ શ્રદ્ધાળુઓની હાલત પર ડોકટરોની નજર છે.
શ્રાવણના સોમવારે ભગવાન મહાકાલ અને નાગચંદ્રેશ્વર મંદિરના વિશેષ દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉજ્જૈન પહોંચ્યા છે. આને કારણે મંદિર વિસ્તાર અને આસપાસના માર્ગો પર ભારે ભીડ છે. મંદિરમાં અત્યાર સુધીમાં લગભગ 5.50 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે.
મહાકાલ મંદિરમાં નાગપંચમી અને શ્રાવણના સોમવારે ઉમટી પડનારી ભારે ભીડનો અંદાજ પ્રશાસનને પહેલેથી જ હતો. ઉજ્જૈનના કલેક્ટર રોશન સિંહ, મંદિર પ્રશાસક પ્રથમ કૌશિક અને એસપી પ્રદીપ શર્મા છેલ્લા એક સપ્તાહથી સતત માર્ગ અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. આ વખતે ગત વખતની સરખામણીમાં વધુ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા.
મોડી રાતથી જ ચારધામ મંદિર વિસ્તારમાંથી બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓની સુવિધા માટે આ વખતે બેરિકેડિંગને પહેલા કરતા વધુ પહોળું કરવામાં આવ્યું હતું, જેથી વધુ શ્રદ્ધાળુઓ એકસાથે આગળ વધી શકે. આમ છતાં, ઘણા કલાકો સુધી બેરિકેડિંગમાં ફસાયેલા શ્રદ્ધાળુઓ પર ભીડનું દબાણ વધવાથી કેટલાક લોકો બેભાન થઈ ગયા. આને કારણે, થોડા સમય માટે હરસિદ્ધિ ચોક અને મોટા ગણેશ મંદિર સામેના બેરિકેડિંગ વિસ્તારમાં અવ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ.
ઉજ્જૈન એસપી પ્રદીપ શર્માએ કહ્યું, “આજે ત્રણ મોટા કાર્યક્રમો એકસાથે યોજાઈ રહ્યા છે. ભગવાન નાગચંદ્રેશ્વરના દર્શન શરૂ થઈ ગયા છે. વર્ષમાં એકવાર 24 કલાક માટે ખુલતા આ મંદિરના દર્શન માટે બેરિકેડિંગ પર લગભગ 40 હજાર લોકો કતારમાં છે..
બીજી તરફ, આજે પવિત્ર શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે. આને કારણે બાબા મહાકાલના દરબારમાં 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચવાની અપેક્ષા છે. આ ઉપરાંત, ભગવાન મહાકાલ આજે ત્રીજી સવારી પર નગર ભ્રમણ કરશે. સવારી સાંજે 4 વાગ્યે શરૂ થશે અને તેમાં લગભગ 4 થી 4.5 લાખ લોકો ભાગ લે તેવી શક્યતા છે.