જન્માષ્ટમી, પર્યુષણ અને નવરાત્રીમાં પડશે ભારે વરસાદ! ગુજરાતમાં ઓગસ્ટથી ઓક્ટોબર સુધી ધોધમાર વરસાદની આગાહી

raining

હાલમાં આશ્લેશા નક્ષત્રના પ્રભાવ હેઠળ મોટા ટીપાં સાથે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. આ સમયગાળા દરમિયાન 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 17, 18 અને 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. આ બાદ આવનારું મઘા નક્ષત્ર કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ ઉત્તમ ગણાશે, જે પાકને નવું જીવન આપશે.

20 થી 22 ઓગસ્ટ દરમિયાન દેશના પશ્ચિમ ઘાટના વિસ્તારો જેવા કે મુંબઈ અને મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. તેની સીધી અસર દક્ષિણ ગુજરાત પર પણ જોવા મળશે, જેમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારી જેવા જિલ્લાઓમાં સારા વરસાદી ઝાપટાં પડી શકે છે.

23 ઓગસ્ટથી વરસાદનું જોર ક્રમશઃ વધશે. ઓગસ્ટ માસના અંતમાં બંગાળની ખાડીમાં એક અત્યંત મજબૂત હવામાન સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમના લીધે 24, 25, 26, 27 અને 28 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 26 ઓગસ્ટ પછી રાજ્યમાં મેઘરાજા રોદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પૂરી સંભાવના છે અને 31 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે.

સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદથી રાહત મળે તેમ નથી. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન 4 અને 5 સપ્ટેમ્બરે વરસાદી માહોલ રહેશે. ત્યારબાદ 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગો જેમ કે પાટણ, સમી, હારીજ, વિરમગામ, માંડલ, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડે તેવી પૂરી શક્યતા છે. આ ઉપરાંત 8 થી 15 સપ્ટેમ્બર વચ્ચે પર્યુષણ પર્વ અને 12 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે પણ અંબાજીના ડુંગરાળ વિસ્તારો સહિત સમગ્ર રાજ્યમાં ભારે ઝાપટાં પડી શકે છે.

19 સપ્ટેમ્બરથી દરિયામાં હલચલ વધશે અને પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થશે, જેનાથી વરસાદનું પ્રમાણ ફરી વધી શકે છે. ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો 11 થી 20 ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આ જ સમયગાળા દરમિયાન નવરાત્રીનો તહેવાર આવતો હોવાથી ખેલૈયાઓ અને આયોજકો માટે વરસાદ ચિંતાનો વિષય બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *