7.7ના જોરદાર ભૂકંપથી ઇન્ડોનેશિયા ધ્રૂજ્યું, સુનામીનો ખતરો, 3 મોટા આફ્ટરશોક્સ

ઇન્ડોનેશિયાના દરિયાકાંઠાના વિસ્તારમાં શનિવારે વહેલી સવારે 7.7 ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપના આ આંચકા બાદ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તુરંત જ સુનામીની ચેતવણી (Tsunami Alert) જાહેર કરવામાં આવી છે. ભૂકંપ બાદ પણ ધરા ધ્રૂજવાનો સિલસિલો યથાવત રહ્યો હતો અને સતત આફ્ટરશોક્સ નોંધાયા હતા. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની અંદર 35 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.

EMSC ના રિપોર્ટ મુજબ, સ્થાનિક સમય અનુસાર સવારે 4:58 વાગ્યે ભૂકંપનો મુખ્ય આંચકો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તુરંત જ ઓછામાં ઓછા ત્રણ મોટા આફ્ટરશોક્સ (પછીના આંચકા) પણ અનુભવાયા હતા. સતત આવી રહેલા આંચકા દર્શાવે છે કે પૃથ્વીના પેટાળમાં હજુ પણ મોટી હલચલ ચાલી રહી છે, જેથી આગામી સમયમાં વધુ આંચકા આવવાની શક્યતા નકારી શકાતી નથી.

ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં હોવાને કારણે ઇન્ડોનેશિયાની હવામાન અને ભૂભૌતિકી એજન્સી (BMKG) એ તાત્કાલિક ધોરણે દેશના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારો માટે સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીની ટીમ હાલ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને આ ભૂકંપની સૌથી વધુ અસર કયા વિસ્તારો પર થઈ શકે છે તેનું આંકલન કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *