સુરતમાં ખાડી પૂર બાદ રોગચાળો ફાટી નીકળ્યો: સિવિલ હોસ્પિટલમાં રોજના 1000થી વધુ કેસ, દર્દીઓની લાંબી લાઈનો

રાજ્યમાં એક બાજુ ચાંદીપુરા વાયરસ બાળકો પર કહેર બનીને વરસી રહ્યો છે, ત્યાં હવે સમાચાર મળી રહ્યા છે કે સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ખાડી પૂરના કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ બાદ હવે ગંભીર રોગચાળો ફાટી નીકળ્યો છે. પૂરના પાણી ઓસરતાની સાથે જ શહેરના નીચાણવાળા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મચ્છરજન્ય અને દૂષિત પાણીથી થતા રોગોનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. હાલમાં સુરત સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે અને સ્વાસ્થ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.

સુરત સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગમાં રોજના 1000થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. પૂરના દૂષિત પાણી અને ભેજવાળા વાતાવરણને કારણે ખાસ કરીને ઝાડા-ઉલટી અને પેટના રોગો, અતિશય તાવ (વાયરલ અને ડેન્ગ્યુ/મેલેરિયાના શંકાસ્પદ), શરદી, ઉધરસ અને શ્વાસ સંબંધિત તકલીફો જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. 

આ વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત
શહેરના ખાસ કરીને ખાડી કિનારે આવેલા અને પૂરના પાણીમાં ગરકાવ થયેલા વિસ્તારોમાંથી દર્દીઓનો સૌથી વધુસૂરો હોસ્પિટલ પહોંચી રહ્યો છે. જેમાં પાંડેસરા, ડીંડોલી, ઉધના, પર્વત પાટિયા અને સચિન વિસ્તારમાં રોગચાળાની અસર સૌથી વધુ જોવા મળી રહી છે.દર્દીઓની સતત વધતી સંખ્યા અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. વધારાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં ખાસ અલગ વોર્ડ અને વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીઓને લાંબી લાઈનોમાં ઊભા ન રહેવું પડે તે માટે ઓપીડી (OPD) બારીઓ અને દવા વિતરણ બારીઓની સંખ્યા વધારી દેવામાં આવી છે. ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ ટીમની રજાઓ રદ કરી સતત સેવાઓ આપવા સૂચના અપાઈ છે.

આરોગ્ય વિભાગની અપીલ
પાણી ઉકાળીને પીવું, વાસી કે ખુલ્લો ખોરાક ન ખાવો અને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવું. ઝાડા, ઉલટી કે તાવ જેવા કોઈ પણ લક્ષણો જણાય તો તુરંત જ નજીકના સરકારી દવાખાના કે સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *