ગુજરાતમાં કઈ તારીખથી શરુ થશે શ્રાવણ મહિનો ? જાણો કેટલા છે સોમવાર અને ક્યારે છે જન્માષ્ટમી ?

ભગવાન શિવને સમર્પિત અને શિવભક્તોનો પ્રિય શ્રાવણ મહિનો ગણતરીના દિવસોમાં શરુ થશે. ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરુઆત થતા જ એક મહિના સુધી અલગ અલગ તહેવારોની ઉજવણી શરુ થઈ જાય છે. શિવાલયોમાં ભક્તોના ઘોડાપુર ઉમટે છે. ઉત્તર ભારતમાં તો શ્રાવણ મહિનાની શરુઆત થઈ ચુકી છે પરંતુ ગુજરાતમાં શ્રાવણ મહિનો 13 ઓગસ્ટથી શરુ થશે.
પંચાંગ અનુસાર ગુજરાતમાં શ્રાવણ મહિનો 13 ઓગસ્ટ 2026 અને ગુરુવારથી શરુ થશે. શ્રાવણ મહિનાની અમાસ આ વર્ષે શનિવાર અને 11 સપ્ટેમ્બરે આવશે. આ વર્ષનો શ્રાવણ મહિનો વિશેષ રહેવાનો છે કારણ કે આ વર્ષે શ્રાવણ મહિનાના સોમવાર સાથે નાગ પંચમી પણ આવશે.
વર્ષ દરમિયાન આવતો શ્રાવણ મહિનો શિવજીની આરાધના કરવા માટે મહત્વપૂર્ણ ગણાય છે. ઘણા શિવભક્તો 1 મહિના સુધી શ્રાવણ મહિનાનું વ્રત કરે છે. જે લોકો આખો મહિનો વ્રત ન કરી શકે તેઓ સોમવારનું વ્રત કરવાનું ચુકતા નથી. સોમવારે શિવ મંદિરોમાં વિશેષ ભીડ જોવા મળે છે.
શ્રાવણ 2026 માં કેટલા સોમવાર આવે છે ?
આ વર્ષે શ્રાવણ માસમાં 4 સોમવાર આવશે. શ્રાવણ માસના સોમવારની તારીખો પર નજર કરીએ તો પહેલો સોમવાર 17 ઓગસ્ટ, બીજો સોમવાર 24 ઓગસ્ટ, ત્રીજો સોમવાર 31 ઓગસ્ટ અને ચોથો સોમવાર 7 સપ્ટેમ્બરે આવશે.
જન્માષ્ટમી 2026
શ્રાવણ મહિનામાં સોમવાર ઉપરાંત લોકો જન્માષ્ટમી ઉજવવા પણ આતુર હોય છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમી આ વર્ષે 4 સપ્ટેમ્બર અને શુક્રવારે આવશે. આઠમીની તિથી આ વર્ષે 3 સપ્ટેમ્બર મોડી રાત્રે 2.25 મિનિટથી શરુ થશે અને 4 તારીખે સવારે 12.13 મિનિટ સુધી રહેશે. ઉદયા તિથિ અનુસાર જન્માષ્ટમી 4 સપ્ટેમ્બર અને શુક્રવારે ઉજવાશે.
શ્રાવણ મહિનામાં શિવ ભક્તો શિવભક્તિમાં લીન જોવા મળે છે, સોમવારના વ્રત ઉપરાંત ભક્તો શિવજીનો જળાભિષેક સહિતની વિશેષ પૂજા રોજ કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ માસમાં શિવ પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્ણ કરે છે. તેમાં પણ શ્રાવણ માસના સોમવારનું વ્રત વિશેષ ફળદાયી ગણાય છે.