ત્રણ પેટાચૂંટણીએ બદલ્યું રાજકીય ગણિત! શું હવે કોઈ ‘અભેદ્ય કિલ્લો’ સંપૂર્ણ સુરક્ષિત નથી?

હાલમાં 3 રાજ્યોની 3 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી થઈ જેના પરિણામે અનેક મોટા રાજકીય સંદેશ આપ્યા છે. ગુજરાતના વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક, મધ્ય પ્રદેશની દતિયા અને સૌથી વધુ જો કોઈ ચર્ચામાં રહી હોય તો તે હતી બિહારની બાંકીપુર સીટ. આ સીટે ભાજપને જોરદાર ઝટકો આપ્યો છે કારણ કે અહીંથી પ્રશાંત કિશોરે ભાજપના ગઢમાં ભાજપના ઉમેદવારને સારી એવા મતોથી હરાવ્યા છે. બીજી બાજુ ગુજરાતની માંજલપુર સીટની વાત કરીએ તો અહીં પણ ભાજપ જીત્યું તો ખરું પરંતુ પહેલા કરતા અંતર ઘટી ગયું. જ્યારે મધ્ય પ્રદેશની સીટ દતિયા કોંગ્રેસની હતી અને કોંગ્રેસને ફાળે ગઈ. પરંતુ રાજ્યમાં  ભાજપની સત્તા છતાં સીટ ગુમાવી એ નોંધનીય છે. 

3 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓમાં જ સૌથી વધુ કોઈ ચર્ચામાં રહી હોય તો તે હતી બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક. આ સીટ 1995થી ભાજપ પાસે હતી અને પાર્ટીનો મજબૂત ગઢ ગણાતી હતી. આ વખતે ભાજપના ઉમેદવારે 19 હજારથી વધુ મતોથી હારનો સામનો કરવો પડ્યો. આ સીટની ખાસ વાત એ છે કે આ સીટ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની પરંપરાગત સીટ હતી. તેમણે ચૂંટણી દરમિયાન પ્રચાર કર્યો લોકો વચ્ચે પહોંચવાની કોશિશ પણ કરી પરંતુ આમ છતાં ભાજપ આ સીટ બચાવી શક્યું નહીં. રાજકીય જાણકારોનું કહેવું છે કે આ હાર પાછળ સ્થાનિક મુદ્દાઓ અને લોકોની નારાજગી પણ મહત્વનું કારણ હોઈ શકે.

આખા દેશનું ધ્યાન ખેંચનારા ભરત તિવારી એન્કાઉન્ટર જેવા વિવાદિત મુદ્દાઓની પણ ચૂંટણી પરિણામ પર અસર પડી હોવાનું કહેવાય છે. આ ચૂંટણીનો સૌથી મોટો ફાયદો જનસુરાજ પાર્ટી અને તેના સંસ્થાપક પ્રશાંત કિશોરને થયો છે. થોડા મહિના પહેલા વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી કોઈ સીટ જીતી શકી ન હતી. પરંતુ હવે ભાજપના મજબૂત ગઢ ગણાતા એક ગઢ એવા બાંકીપુરની સીટ પ્રશાંત કિશોરે પડાવતા મોટી ઉપલબ્ધિ ગણાઈ રહી છે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે જો જનસુરાજ પાર્ટી આવનારા સમયમાં આ રીતે પોતાનું સંગઠન મજબૂત કરશે તો  બિહારના રાજકારણમાં ભાજપ અને આરજેડી સાથે ત્રીજી મોટી તાકાત બની શકે છે. જેના લીધે ભવિષ્યમાં ત્રિકોણીયા જંગની સંભાવના વધી શકે છે.

હવે વાત કરીએ મધ્ય પ્રદેશની દતિયા વિધાનસભા સીટની. અહીં પણ ભાજપે હારનો સામનો કરવો પડ્યો. ભાજપે પૂરેપૂરી તાકાત લગાવી છતાં કોંગ્રેસના ઉમેદવાર જીતી ગયા. આ ચૂંટણી પહેલા ભાજપના નેતા ડો. નરોત્તમ મિશ્રાની ટિકિટ કપાવાના કારણે પાર્ટીની અંદર નારાજગી પણ સામે આવી હતી. નરોત્તમ એમપીના કદાવર નેતાઓમાં સામેલ છે. ત્યારબાદ તેમણે પાર્ટી ઉમેદવારના સમર્થનમાં પ્રચાર પણ કર્યો હતો. પરંતુ ફાયદો ન થયો. 

મુખ્યમંત્રી મોહન યાદવ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા અનેક મોટા નેતાઓએ પણ પ્રચાર કર્યો હતો. આમ છતાં ભાજપ જીતી શક્યું નહીં. આ પરિણામ એ વાતનો સંકેત ગણાઈ રહ્યો છે કે ફક્ત મોટા નેતાઓના પ્રચારથી ચૂંટણી જીતી શકાતી નથી. ઉમેદવારની સ્વીકાર્યતા, સ્થાનિક સંગઠન અને કાર્યકરોની એકજૂથતા પણ જરૂરી છે. 

ગુજરાતમાં સીટ બચી પણ પડકારનો સંકેત
ગુજરાતના વડોદરાની માંજલપુર સીટ પણ વિધાયક યોગેશ પટેલના નિધનના કારણે ખાલી પડતા પેટાચૂંટણી યોજાઈ હતી જ્યાં ભાજપના ઉમેદવાર સતિષ પટેલ જીતી તો ગયા પરંતુ જીતનું અંતર પહેલાની સરખામણીએ ઓછું રહ્યું. જ્યારે કોંગ્રેસ પોતાનો વોટશેર વધારવામાં સફળ રહી. જો કે ગુજરાતમાં હજુ પણ  ભાજપની સ્થિતિ મજબૂત ગણાય છે. પરંતુ કોંગ્રેસનો આ વધેલો વોટશેર એ વાતનો સંકેત આપે છે કે વિપક્ષ ધીરે ધીરે પોતાની રાજકીય તાકાત મજબૂત કરી રહ્યું છે. 

ત્રણેય રાજ્યોના પરિણામો પરથી એક વાત તો ફલિત થાય છે કે હવે ચૂંટણી પહેલાની સરખામણીએ વધુ પડકારજનક બની રહી છે. કોઈ પણ રાજકીય પક્ષ માટે ફક્ત જૂની વોટબેંક કે મોટા માથાની લોકપ્રિયતા જીતની ગેરંટી નથી રહી. મતદારો હવે સ્થાનિક મુદ્દા, ઉમેદવારની છબી અને વિસ્તારમાં કરાયેલા કામોને પણ મહત્વ આપી રહ્યા છે. જેના કારણે અનેક મજબૂત ગણાતી સીટો ઉપર પણ આ વખતે પાસું પલટાતું જોવા મળ્યું. 

બિહારમાં પ્રશાંત કિશોરની વધતું રાજકીય અસ્તિત્વ, મધ્ય પ્રદેશમાં ઉમેદવારની પસંદગીને લઈને ઉઠેલા સવાલ તથા ગુજરાતમાં કોંગ્રેસનો વધતો વોટશેર એ વાતનો સંકેત આપે છે કે આવનારા સમયમાં ચૂંટણીઓમાં બધા પક્ષોઓ પોતાની રણનીતિ અને સંગઠન બને પર પહેલા કરતા વધુ મહેનત કરવી પડશે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *