Suratમાં ખાનગી લોકરમાંથી 2 કિલો સોનાની ચોરીનો પર્દાફાશ, શેરબજારના નુકસાનને ભરપાઈ કરવા ઓપરેટરે જ રચ્યું કાવતરું

Surat News: ગુજરાતના સુરત શહેરમાં ખાનગી લોકરની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરે તેવી મોટી ચોરીનો પર્દાફાશ થયો છે. સિંગણપોર વિસ્તારમાં આવેલી નક્ષત્ર સેફ હાઉસની ખાનગી લોકર સુવિધામાંથી ₹2.67 કરોડથી વધુ કિંમતના 2 કિલોગ્રામથી વધુ સોનાના દાગીના ચોરાઈ ગયા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ચોરી કોઈ બહારના વ્યક્તિએ નહીં, પરંતુ લોકર ઓપરેટરે જ શેરબજારમાં થયેલા ભારે નુકસાનને ભરપાઈ કરવા માટે કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ચોરીના સમાચારથી લોકરધારકોમાં ફફડાટ

ઘટના બહાર આવતા જ નક્ષત્ર સેફ હાઉસમાં પોતાના કિંમતી દાગીના અને સોનું રાખનારા લોકોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ. મોટી સંખ્યામાં ગ્રાહકો પોતાના લોકર તપાસવા માટે સેફ હાઉસ પહોંચ્યા હતા. લોકોને ભય હતો કે તેમના દાગીના પણ ચોરીનો ભોગ બન્યા હશે.

CCTV ડેટા ડિલીટ હોવાનો દાવો, તપાસમાં ખુલ્યો ભાંડો

પીડિત પરિવારે 14 જુલાઈએ સીસીટીવી ફૂટેજની માંગણી કરી હતી, પરંતુ તેમને હાર્ડ ડિસ્કનો ડેટા ડિલીટ થઈ ગયો હોવાનું જણાવવામાં આવ્યું. ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ શરૂ થઈ. તપાસ દરમિયાન પોલીસે લોકર સિસ્ટમ અને ડુપ્લિકેટ ચાવીઓ અંગે મહત્વના પુરાવા મેળવ્યા, જેના આધારે નક્ષત્ર સેફ હાઉસની અન્ય શાખાઓમાં પણ તપાસ હાથ ધરવામાં આવી.

શેરબજારમાં ₹3 કરોડનું નુકસાન, પછી રચ્યું ચોરીનું કાવતરું

કેસ અંગે માહિતી આપતા ડીસીપી રાઘવ જૈને જણાવ્યું કે સુરતમાં નક્ષત્ર સેફ હાઉસની ચાર શાખાઓ કાર્યરત છે. પૂછપરછ દરમિયાન આરોપી હર્ષ દિયારાએ કબૂલાત કરી કે તેને શેરબજારમાં અંદાજે ₹3 કરોડનું નુકસાન થયું હતું. આ નુકસાનની ભરપાઈ કરવા માટે તેણે પોતાના પિતા અને ભાઈ સાથે મળીને ગ્રાહકોના લોકરમાંથી સોનું ચોરવાની યોજના બનાવી હતી.

ડુપ્લિકેટ ચાવીઓથી ખોલ્યા લોકર

પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓએ ડુપ્લિકેટ ચાવીઓની મદદથી ગ્રાહકોના છ લોકર ખોલ્યા અને આશરે 2 કિલોગ્રામ સોનાના દાગીના ચોરી લીધા. હાલ પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ ખાનગી લોકરની સુરક્ષા વ્યવસ્થા અને ગ્રાહકોના વિશ્વાસ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *